Guwahati,તા.૧૩
આસામના જોરહાટમાં આવેલા રૌરિયા એરફોર્સ સ્ટેશન પર શનિવારે ભારતીય વાયુસેનાનું એક છદ્ગ-૩૨ પરિવહન વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ દર્દનાક અકસ્માતમાં વાયુસેનાના પાંચ કર્મચારીઓ શહીદ થયા છે, જ્યારે સહ-પાયલોટ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવા છતાં જીવિત બચી ગયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. ભારતીય વાયુસેનાએ આ અકસ્માત અંગે નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, ‘આસામના જોરહાટમાં છદ્ગ-૩૨ વિમાન દુર્ઘટનામાં પોતાના પાંચ કર્મચારીઓને ગુમાવવાનું ઊંડું દુઃખ છે. સ્ક્વોડ્રન લીડર પ્રશાંત સિંહ, ફ્લાઇટ લેફ્ટનન્ટ શુભમ કુમાર, સાર્જન્ટ જિતેન્દ્ર શર્મા, અગ્નિવીરવાયુ ખેમારામ કુમાવત અને અગ્નિવીરવાયુ દાનિશ આલમે ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. ભારતીય વાયુસેના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે અને દુઃખની આ ઘડીમાં મજબૂતાઈથી તેમની સાથે ઊભી છે.’
ભારતીય વાયુસેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, છદ્ગ-૩૨ પરિવહન વિમાન અરૂણાચલ પ્રદેશથી જોરહાટ પરત ફરી રહ્યું હતું. આ દરમિયાન લેન્ડિંગ કરતી વખતે વિમાન અકસ્માતનો ભોગ બન્યું હતું. આ દુર્ઘટના એરબેઝ પરિસરની અંદર જ થઈ હતી, જેના પછી વિમાનમાં આગ લાગી ગઈ હતી અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર, વિમાન એરબેઝ પર ઉતરી રહ્યું હતું, ત્યારે જ તે ક્રેશ થઈ ગયું હતું. અકસ્માતના કારણે એરફોર્સના વિમાનના બે ટુકડા થઈ ગયા હતા અને ત્યાંથી આગ તેમજ ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા.
દુર્ઘટના બાદ એરબેઝની ઇમરજન્સી અને ફાયર ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જો કે બચાવ અભિયાન શરૂ થતાં જ સહ-પાયલોટને જીવતો બહાર કાઢી લેવાયો હતો, પરંતુ વિમાનમાં સવાર અન્ય પાંચ વાયુસેના કર્મચારીઓને બચાવી ન શકાયા.
અકસ્માત બાદ ભારતીય વાયુસેનાએ દુર્ઘટનાના કારણોની ભાળ મેળવવા માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરી ના આદેશ આપી દીધા છે. તપાસમાં એ જાણી શકાશે કે આ અકસ્માત ટેકનિકલ ખામી, માનવીય ભૂલ કે અન્ય કોઈ કારણસર થયો છે.
રૌરિયા એરફોર્સ સ્ટેશન ભારતીય વાયુસેના માટે વ્યૂહાત્મક દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તે પૂર્વોત્તર ભારતમાં વાયુસેનાના મુખ્ય મથકોમાં સામેલ છે અને આસામ સહિત સમગ્ર પૂર્વોત્તર ક્ષેત્રમાં સૈન્ય ઓપરેશન્સ તથા લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
વર્ષ ૧૯૮૬ પછી ભારતમાં એએન-૩૨ વિમાનના ૨૨ અકસ્માતો થઈ ચૂક્યા છે. ત્યાં જ વર્ષ ૨૦૧૬થી લઈને ૨૦૨૬ સુધી એટલે કે છેલ્લા ૧૦ વર્ષોમાં ભારતીય વાયુસેનાના છદ્ગ-૩૨ પરિવહન વિમાન સાથે જોડાયેલા ત્રણ મુખ્ય અકસ્માતો સામે આવ્યા છે. જેમાંથી બે અકસ્માતો અત્યંત ઘાતક રહ્યા હતા, જ્યારે એકમાં તમામ કર્મચારીઓ સુરક્ષિત બચી ગયા હતા.
૨૨ જુલાઈ ૨૦૧૬ના રોજ વિમાન ચેન્નઈથી પોર્ટ બ્લેયર જતી વખતે બંગાળની ખાડી પર ગુમ થઈ ગયું હતું. વિમાનમાં સવાર તમામ ૨૯ લોકોના મોત થયા હતા. તેનો કાટમાળ ૨૦૨૪માં સમુદ્રના ઊંડાણમાંથી મળ્યો હતો, પરંતુ અકસ્માતનું કારણ સ્પષ્ટ થઈ શક્યું ન હતું.
ત્યારબાદ ૩ જૂન ૨૦૧૯ના રોજ અન્ય એક છદ્ગ-૩૨ વિમાન આસામના જોરહાટથી અરૂણાચલ પ્રદેશના મેચુકા જતી વખતે તાતો વિસ્તારની પહાડીઓમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ ૧૩ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે, ૭ માર્ચ ૨૦૨૫ના રોજ પશ્ચિમ બંગાળના બાગડોગરા એરપોર્ટ પર છદ્ગ-૩૨ વિમાનનું ક્રેશ લેન્ડિંગ થયું હતું. વિમાન લેન્ડિંગ સમયે રનવે પરથી લપસીને ક્ષતિગ્રસ્ત થયું હતું, પરંતુ તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત રહ્યા હતા અને કોઈનો જીવ ગયો ન હતો. આ ત્રણ અકસ્માતોમાં કુલ ૪૨ લોકોના મોત થયા છે, જ્યારે ૨૦૨૫ની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

