Tehranતા.10
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા મોજતબા ખામેનીએ ગઈકાલે ટ્વીટ કરી લખ્યું કે ઈરાન સ્વર્ગસ્થ સર્વોચ્ચ નેતા અલી ખામેનીની હત્યાના 40 દિવસ પૂર્ણ થયા હોવાથી તેમનો બદલો લેવા માટે કટિબદ્ધ છે.
મોજતબાએ એમ પણ જાહેર કર્યું કે, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટના સંચાલનમાં એક નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યું છે. ઈરાન અને અમેરિકા 2 અઠવાડિયાના યુદ્ધવિરામ માટે સંમત થયા પછી આ નિવેદન આવ્યું છે.
‘ઈરાન મોટી તાકાત બનવાના આરે’ : મોજતબા ખામેનેઈ
પોતાના સંબોધનમાં મોજતબાએ જણાવ્યું કે, ઈરાન હવે એક મોટી તાકાત બનવાના ઉંબરે ઊભું છે. તેમણે કહ્યું, “જે કોઈએ ઈરાન પર હુમલો કરવાનું સાહસ કર્યું છે, તેમને છોડવામાં આવશે નહીં. અમે શાંતિ ઈચ્છીએ છીએ, પરંતુ તેનો અર્થ એ નથી કે અમે નબળા છીએ. અમે અમારા સાર્વભૌમતનું રક્ષણ કરવા માટે સંપૂર્ણ સજ્જ છીએ.”
‘અમારી આંગળીઓ ટ્રિગર પર જ રહેશે’ : રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને પણ આક્રમક વલણ અપનાવતા કહ્યું કે, દુશ્મન દેશોના પગલાં ઘણીવાર છેતરપિંડીવાળા હોય છે. તેમણે ઉમેર્યું, “ભલે સીઝફાયર થયું હોય, પણ અમારી આંગળીઓ હજુ પણ ટ્રિગર પર જ રહેશે. ઈરાન તેના લેબનીઝ ભાઈ-બહેનોને ક્યારેય એકલા છોડશે નહીં અને પ્રાદેશિક સુરક્ષા સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં.”
યુરેનિયમ સંવર્ધન પર ઈરાનનો મોટો દાવો
સીઝફાયરના બીજા જ દિવસે ઈરાને દાવો કર્યો છે કે તેને યુરેનિયમ સંવર્ધન (Uranium Enrichment) કરતા કોઈ રોકી શકશે નહીં. ઈરાનનું કહેવું છે કે પરમાણુ ક્ષમતા વધારવી એ તેનો કાનૂની અધિકાર છે. આ નિવેદને પશ્ચિમી દેશો અને ખાસ કરીને ઈઝરાયેલની ચિંતામાં વધારો કર્યો છે.
પાકિસ્તાનમાં યોજાશે શાંતિ વાર્તા
બીજી તરફ, આ યુદ્ધનો કાયમી ઉકેલ લાવવા માટે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં એક મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. આ ‘ઈસ્લામાબાદ વાર્તા’ માં ઈરાન, અમેરિકા અને અન્ય હિતધારકો વચ્ચે શાંતિ સ્થાપવા અંગે ચર્ચા કરવામાં આવશે. પાકિસ્તાન આ મામલે મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે.
પાડોશી દેશો માટે સંદેશ
ખામેનેઈએ ઈરાનના “દક્ષિણી પાડોશી દેશો” (ખાડી દેશો) ને સંબોધતા કહ્યું કે તેઓ એક ચમત્કારના સાક્ષી બની રહ્યા છે. તેમણે પાડોશી દેશોને આગ્રહ કર્યો કે, ધ્યાનથી જુઓ, બરાબર સમજો, યોગ્ય પક્ષે ઊભા રહો અને શેતાનો (પશ્ચિમી શક્તિઓ) ના ખોટા વચનોથી સાવધ રહો.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તેહરાન તમારી ભાઈચારો અને સદભાવના દર્શાવતા યોગ્ય પ્રતિસાદની હજુ પણ રાહ જોઈ રહ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ ત્યારે જ શક્ય બનશે જ્યારે અખાતી દેશો તેવા અહંકારીઓ (અમેરિકા-ઈઝરાયેલ) નો સાથ છોડી દેશે, જેઓ તમને અપમાનિત કરવાની અને તમાં શોષણ કરવાની એક પણ તક છોડતા નથી.
હોર્મુઝ પર ઈરાનનું કડક વલણ
મોજતબા ખામેનેઈએ તેમના નિવેદનમાં ભારપૂર્વક જણાવ્યું કે યુદ્ધવિરામનો અર્થ એ નથી કે ઈરાન તેની સંપ્રભુતા સાથે કોઈ બાંધછોડ કરશે. તેમણે કહ્યું, “હોર્મુઝ સ્ટ્રેટમાં હવે નવી વ્યવસ્થા અમલમાં આવશે. અમે સાબિત કરી દીધું છે કે આ વિસ્તારની સુરક્ષા અને વેપાર પર માત્ર પશ્ચિમી દેશોનું આધિપત્ય ચાલી શકે નહીં.”

