(ભરત ભોગાયતા ) Jamnagar તા.૨૪
દ્વારકા તાલુકાના કુરંગા સ્થિત કાર્યરત આર.એસ.પી.એલ. (ઘડી ડિટરજન્ટ ગ્રુપ) ની સી.એસ.આર. શાખા આર.એસ.પી.એલ. વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા આસપાસના લગભગ બાર ગામોમાં નિઃશુલ્ક આરોગ્ય કેમ્પોનું આયોજન શ્રીમાધવ હોસ્પિટલ ભાટિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. વિવિધ સ્થળોએ આયોજિત આ કેમ્પોને સ્થાનિક ગ્રામજનો તરફથી ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો હતો.
કેમ્પ દરમિયાન નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હિમોગ્લોબિન, સી.બી.સી., આંખોની તપાસ, ઇસીજી અને એક્સ રે સહિતની વિવિધ આરોગ્ય તપાસોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી તેમજ સાથે સાથે તબીબોની સલાહ અનુસાર લાભાર્થીઓને વિના મૂલ્યે દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ કેમ્પોમાં કુલ બે હજારથી પણ વધુ દર્દીઓ અને ગ્રામજનોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ સુલભ બનાવવાના હેતુથી આયોજિત આ વિવિધ ગામોમાંથી સારો પ્રતિસાદ મળ્યો.
તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ આર.એસ.પી.એલ. વેલ્ફેર ફાઉન્ડેશનના આ લોકકલ્યાણકારી પ્રયાસની પ્રશંસા કરતાં જણાવ્યું કે, આવા આરોગ્ય કેમ્પો ગ્રામ્ય સમાજ માટે લાભદાયી સાબિત થાય છે અને લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે તેમજ આર.એસ.પી.એલ. વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય, શિક્ષણ અને સામાજિક વિકાસના ક્ષેત્રોમાં સમયાંતરે વિવિધ લોકકલ્યાણકારી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે જેના બદલ આભારી છે.

