Valsad,તા.10
વલસાડ જિલ્લાના ઉમરગામમાં લોહીના સંબંધોને લજવતો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક કળયુગી પુત્રએ પોતાની જ માતાની કરપીણ હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આરોપી પુત્રની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર-૪ ના મહ્યાવંશી ફળિયામાં આજે સવારે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, અહીં રહેતા એક ૪૦ વર્ષીય શખ્સે પોતાની જ માતા પર જીવલેણ હુમલો કર્યો હતો. પુત્રએ માતાની નિર્મમ હત્યા કરી નાખતા લોહીનું સગપણ લોહીયાળ બન્યું હતું. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
સ્થાનિક લોકોમાં ચાલતી ચર્ચા મુજબ, માતાની હત્યા કરનાર પુત્ર માનસિક રીતે અસ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, આ હત્યા પાછળનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. કયા સંજોગોમાં પુત્રએ જનેતાનો જીવ લીધો તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
હત્યાની જાણ થતા જ ઉમરગામ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આરોપી પુત્રને ઘટનાસ્થળેથી જ દબોચી લીધો હતો અને તેની અટકાયત કરી હતી. પોલીસે મૃતક માતાના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે.
સમાજમાં લાલબત્તી સમાન આ કિસ્સાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ અને દુઃખની લાગણી જોવા મળી રહી છે. લોકોએ આવી ઘટનાઓ અટકાવવા અને માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવા પર ભાર મૂક્યો હતો. હાલ પોલીસે અકસ્માત મોત અને હત્યાની કલમો હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
