‘લોકાહ ચેપ્ટર ૧ ચંદ્રા’નું ડિરેક્શન ડોમિનિક અરુણે કર્યું હતું અને તેમાં લોકકથા, ફેન્ટસી અને ઇમોશનલ ડ્રામાનો સંયોગ હતો
Mumbai, તા.૧૯
‘લોકાહ’ની સ્ટાર કલ્યાણી પ્રિયદર્શને તાજેતરમાં કહ્યું છે કે તે ફિલ્મના બીજા ભાગનો હિસ્સો છે. તેણે એવું પણ જણાવ્યું કે ફિલ્મનું શૂટિંગ આ વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થવાની શક્યતા છે.‘લોકાહ ચેપ્ટર ૧ઃ ચંદ્રા’ની રેકોર્ડતોડ સફળતા બાદ સિક્વલ પર કામ શરૂ થઈ ગયું છે. તેનાં પ્રોડક્શન શેડ્યૂલ અંગે આવી રહેલી નવી અપડેટ્સથી ચાહકો ઉત્સાહમાં આવી ગયા છે. ત્યારે હવે પહેલી ફિલ્મની લીડ એક્ટ્રેસ કલ્યાણી પ્રિયદર્શને હવે કહી દીધું છે કે તે ‘લોકાહ ચેપ્ટર ૨’માં વાપસી કરશે. ધનલક્ષ્મી શ્રીનિવાસન યુનિવર્સિટીમાં તાજેતરના એક કાર્યક્રમમાં હાજરી દરમિયાન કલ્યાણીને સિક્વલ વિશે પૂછવામાં આવ્યું હતું. તેણે ખુલાસો કર્યો કે હાલ સિક્વલની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે અને આ વર્ષનાં પાછળના ભાગમાં શૂટિંગ શરૂ થવાની શક્યતા છે. કલ્યાણીએ કહ્યું, “લોકાહ ૨ની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. આશા છે કે સપ્ટેમ્બરમાં શૂટિંગ શરૂ થશે. હા, હું ફિલ્મનો ભાગ છું, તેથી રાહ જુઓ.” ‘લોકાહ ચેપ્ટર ૧ઃ ચંદ્રા’નું ડિરેક્શન ડોમિનિક અરુણે કર્યું હતું અને તેમાં લોકકથા, ફેન્ટસી અને ઇમોશનલ ડ્રામાનો સંયોગ હતો. ફિલ્મમાં કલ્યાણીએ ચંદ્રા, એટલે કે કલ્લિયાનકાટ્ટુ નીલીનું પાત્ર નિભાવ્યું હતું. તેણે આધુનિક દુનિયામાં પડકારોનો સામનો કરતી એક અલૌકિક શક્તિ ધરાવતી છોકરીનું પાત્ર ભજવ્યું હતું.‘લોકાહ’ ગયા વર્ષે એક સરપ્રાઇઝ સફળ મલયાલમ ફિલ્મ બની રહી હતી. કેટલાંક અહેવાલો મુજબ ફિલ્મે વર્લ્ડવાઇડ ૩૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી. ઉપરાંત, આ મલયાલમ સિનેમાની પ્રથમ મહિલા સુપરહીરો ફિલ્મ તરીકે પણ લોકપ્રિય થઈ હતી.બોક્સ ઑફિસ પર ફિલ્મની રેકોર્ડતોડ સફળતા બાદ મેકર્સે ૨૦૨૫ની ફિલ્મની સિક્વલ અંગે પહેલેથી જ સંકેત આપ્યો હતો. અહેવાલો સૂચવે છે કે ટોવિનો થોમસ ‘માઇકલ’ નામના એક ચથન તરીકે ફ્રેન્ચાઇઝીમાં જોડાઈ શકે છે. બીજી તરફ, ફિલ્મનો પ્રોડ્યુસર દુલકીર સલમાન ‘ચાર્લી’ એટલે કે ‘ઓડિયાન’ તરીકે પોતાના પાત્રમાં વાપસી કરી શકે છે. જોકે, આ માત્ર અહેવાલો છે અને સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.

