510 વાર સરકારી જમીન પર ખેતી કરી, બાદ સિમેન્ટ બ્લોક બનાવવાની ફેક્ટરી શરૂ કરી દીધી : ત્રિપુટી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો
Rajkot તા.27
લોધિકા તાલુકાના રાવકી ગામે સરકારી ગૌચરની જમીન પર દબાણ કરી ત્રણ શખ્સો સિમેન્ટ બ્લોક બનાવવાનું કારખાનું ખડકી દીધું હતું. ભુમાફિયાઓએ 510 ચો. વાર જમીન પચાવી લેતા જિલ્લા વહીવટી તંત્રએ સૂઓમોટો લઈ લોધિકા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
લોધીકા તાલુકા વિકાસ અધિકારી જે આર બોરીચાએ આરોપી તરીકે શૈલેષ નાગજી ફાચરા, અશોક મૂળજી ઠુંમર અને અતુલ વિઠ્ઠલ વરસાણીનું નામ આપતા જણાવ્યું હતું કે, લોધીકા તાલુકાના રાવકી ગામની રેવન્યુ સર્વે નંબર 221 ની જમીન હાલ જનરલ ઉદ્યોગના હેતુ માટે બિનખેતી પરવાનગી મળેલી છે, જે બિનખેતી નાગજીભાઈ લાધાભાઈ ફાચરાના નામે થયેલ છે. સર્વે નં.-220 શૈલેષભાઈ નાગજીભાઈ ફાચરાના નામે ખેતીની જમીન આવેલ છે. સર્વે નંબર 221 ની બિનખેતી થયેલ જમીનને લાગુ ગૌચરની જમીન સર્વે નંબર 210 આવેલ છે, જે ગૌચરની જમીનમાં શૈલેષ ફાચરા દ્વારા વર્ષ 2023 સુધી વાવેતર કરવામાં આવતું હતું. ત્યારબાદ આ જમીન ઉપર સિમેન્ટના બ્લોક તથા સિમેન્ટને લગતી અન્ય સામગ્રી બનાવવામાં આવતી હતી. જેથી શૈલેષ ફાચરા દ્વારા ગૌચરની જમીનમાં કોમર્શિયલ હેતુ સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેવું ધ્યાનમાં આવ્યું હતું.
જે બાબતે શૈલેષ ફાચરાનું નિવેદન લેવાતા તેણે અશોક મૂળજી ઠુંમર અને અતુલ વિઠ્ઠલ વરસાણી સાથે મળી ગૌચરની 510 વાર જમીન પર દબાણ કરી કોમર્શિયલ પ્રવૃતિ કર્યાનું સામે આવ્યું હતું. રાવકીના તલાટી મંત્રી દ્વારા લેવાયેલા નિવેદનમાં દબાણકર્તાએ બાબત સ્વીકારી હતી.
સરકારી ગૌચરની જમીન ઉપર દબાણ કરી કોમર્શિયલ ઉપયોગ કરતા શખ્સો વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમની કલમો હેઠળ કાર્યવાહી કરવા લોધીકા મામલતદાર દ્વારા દરખાસ્ત મોકલવામાં આવેલ હતી. જે દરખાસ્ત મામલે જિલ્લા કલેકટર દ્વારા સૂઓમોટો લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાવવા આદેશ કરવામાં આવ્યો હતો. જેથી તાલુકા વિકાસ અધિકારીએ ત્રણેય ભુમાફિયાઓ વિરુદ્ધ લોધિકા તાલુકાની રાવકી ગામની સરકારી ગૌચરની જમીન સર્વે નંબર 210 ના આશરે 510 ચોરસ વાર જમીન પર કબજો કરનાર ત્રણે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

