રાજવી પરીવારના વૃદ્ધને બંધક બનાવી છ બુકાનીધારી ફિલ્મી ઢબે લૂંટ કરી નાસી ગયા તા
રાજકોટ ગ્રામ્ય પોલીસે આરોપીઓને લાવવા અને મુદ્દામાલ રિકવર કરવા તજવીજ, અન્યની શોધખોળ
Rajkot તા.27
રાજકોટ શહેરની ભાગોળે ગોંડલ હાઇવે પર આવેલ શાપર મુકામે પાંચ દિવસ પૂર્વે રાજવી પરીવારના 77 વર્ષીય વૃદ્ધના ઘરમાં ઘુસી, બંધક બનાવી છ બુકાનીધારી શખ્સો રૂ. 2.49 કરોડની ફિલ્મી ઢબે લૂંટ કરી નાસી ગયા હતા. જે ઘટના પ્રકાશમાં આવતા ચકચાર વ્યાપી હતી. લૂંટારૂઓને પકડવા ગ્રામ્ય પોલીસની 15 થી વધુ ટીમો સાથે રાજકોટ શહેર પોલીસની ટીમે પણ તપાસમાં ઝુકાવ્યું હતું. ઘટનાને પાંચ દિવસ વીત્યા બાદ અંતે રૂરલ પોલીસને ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા સાંપડી છે. ગ્રામ્ય પોલીસે એમપીની ત્રિપુટીને દબોચી લીધાનું જાણવા મળ્યું છે અને હાલ મુદ્દામાલ રિકવર કરવા તજવીજ ચાલી રહી છે. ઉપરાંત વધુ ત્રણ લૂંટારુઓની શોધખોળ યથાવત રાખવામાં આવી છે.
બનાવની વિગતો પર નજર કરવામાં આવે તો અંગે જોઈએ તો ગત શુક્રવારની રાતે શાપરમાં રહેતાં રાજવી જીતેન્દ્રસિંહ જાડેજા પોતાના ઘરે નિંદ્રાધીન હતાં ત્યારે રાતે બે વાગ્યાની આસપાસ ત્રાટકેલ ધાડપાડું ગેંગે વૃધ્ધ રાજવીને બંધક બનાવી રોકડ રૂ.૨.૪૭ કરોડ, રાયફલ, મોબાઈલ સહિત રૂ.૨.૪૯ કરોડની મતાની લૂંટનો બનાવ બન્યો હતો.
જ્યારે રૂરલ એલસીબી, એસઓજી, સ્થાનીક પોલીસ, રેન્જ આઈજીની ટીમ અને સાથે સાથે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. પોલીસે ઘટનાસ્થળ અને ભાગવાના રૂટ પર સક્રિય તમામ શંકાસ્પદ મોબાઈલ નંબરોનું લોકેશન ટ્રેસની સાથે લૂંટના સમયે થયેલા ઇન્ટરનેટ કોલિંગ અને શંકાસ્પદ કમ્યુનિકેશન પર નજર રાખી તપાસ આદરી હતી. ત્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસને એક મોટી સફળતા મળી હોય તેવુ પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. પોલીસે આંતરરાજ્ય ગેંગના ત્રણેક સાગરીતોને ઉઠાવી લીધા છે અને તેને રાજકોટ લાવવામાં આવી રહ્યાં છે. જ્યારે અન્ય શખ્સોની શોધખોળ પણ હાથ ધરી મુદામાલ રિકવર કરવાં પણ તજવીજ હાથ ધરાઈ છે. જે અંગે ગ્રામ્ય પોલીસ ટૂંક સમયમાં જ સત્તાવાર જાહેરાત કરનારી છે.

