Morbi,તા.14
મોરબીના નાની વાવડી ગામ પાસે જમીનનો સોદો કરી દસ્તાવેજ ન કરી આપી યુવાન સાથે અંદાજે ૭૫ લાખથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે નાની વાવડીનાં યુવાને પાંચ શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
વિગતવાર ઘટના મુજબ, નાની વાવડીની શિવવિલા સોસાયટીમાં રહેતા મનીષભાઈ કેશવજીભાઈ મોરડીયાએ આરોપીઓ સાથે જમીન ખરીદવાનો સોદો કર્યો હતો. આ સોદા પેટે ફરિયાદીએ આરોપીઓને કુલ રૂ. ૭૫,૭૫,૦૦૦ રોકડા ચૂકવ્યા હતા. જોકે, રકમ મેળવી લીધા બાદ આરોપીઓએ જમીનનો દસ્તાવેજ કરી આપ્યો ન હતો. અશોક સવજીભાઇ મેરજા, સંદીપ માવજીભાઇ મેરજા, અકિ શાહ, કેતન લાલજીભાઇ સંઘાણી અને રાજેશ દેશાભાઇ ચૌહાણ નામના પાંચ શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું રચી, વેપારી સાથે વિશ્વાસઘાત કરી આટલી મોટી રકમ પડાવી લીધી હતી. છેલ્લા ત્રણેક માસથી આ બાબતે સમાધાનની વાતચીત ચાલતી હતી, પરંતુ અંતે કોઈ નિરાકરણ ન આવતા વેપારીએ પોલીસના દ્વાર ખખડાવ્યા છે. મોરબી તાલુકા પોલીસે ફરિયાદને આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

