New Delhi, તા. 17
કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે નવી દિલ્હીની આઈટીસી મૌર્ય હોટલમાં પોતાની આત્મકથા ‘બિલોન્ગિંગઃ એ જર્ની ઓફ લવ’નું ઔપચારિક વિમોચન કર્યું.
આ પ્રસંગે તેમણે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથેનાં પોતાનાં શરૂઆતનાં અનુભવો અને ભારતીય પરિવારમાં પોતાને સ્વીકાર્ય બનાવવાનાં સંઘર્ષને વાગોળ્યો. સોનિયા ગાંધીએ જણાવ્યું કે, “હું ઇન્દિરા ગાંધીથી ખૂબ જ પ્રભાવિત હતી અને તેમને જોઈને ડરી જતી હતી, કારણ કે તેઓ અત્યંત પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતાં મહિલા હતા.”
આત્મકથા પર ચર્ચા દરમિયાન સોનિયા ગાંધીએ પુસ્તકના શીર્ષક ‘બિલોન્ગિંગ’ પાછળની ભાવના સમજાવતાં કહ્યું કે, જ્યારે તમે કોઈ જગ્યાએ બહારનાં હોવ છો, ત્યારે હંમેશાં એવું લાગે છે કે લોકો તમને પસંદ નથી કરતાં અને દરેક સમયે તમારા પર નજર રાખવામાં આવી રહી છે અને તમને પરખવામાં આવી રહ્યાં છે. કોઈનો હિસ્સો બનવા અને સ્વીકારવામાં આવવાની આ લાગણી તેમના જીવનના ઊંડા અનુભવોને દર્શાવે છે.
બીજી તરફ, આ કાર્યક્રમમાં સૌથી વધુ ચર્ચા ભાજપના નેતા અને પંજાબનાં પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની અચાનક હાજરીની રહી. પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલાં સોનિયા ગાંધીના કાર્યક્રમમાં કેપ્ટનની હાજરીથી નવી રાજકીય અટકળો શરૂ થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર મહિનામાં કેપ્ટને ભાજપ પ્રત્યે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, પંજાબનાં રાજકારણમાં 60 વર્ષનો અનુભવ હોવા છતાં પાર્ટીમાં તેમની પાસેથી કોઈ સલાહ લેવામાં આવતી નથી. જોકે, તેમણે અગાઉ સ્પષ્ટતા કરી હતી કે તેઓ હાલ કોઈ પક્ષ છોડવા જઈ રહ્યાં નથી.
વિમોચન સમારોહમાં રાહુલ ગાંધીએ પણ એક રસપ્રદ અંગત કિસ્સો શેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે તેમના માતા-પિતા રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીની પહેલી મુલાકાત કેમ્બ્રિજના જે રેસ્ટોરન્ટમાં થઈ હતી, ત્યાં તેઓ ઘણા વર્ષો પછી પોતાની ગર્લફ્રેન્ડ સાથે ગયા હતા.
રાહુલે ત્યાં જઈને એ ખાસ જગ્યા જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને રેસ્ટોરન્ટના પીળા રંગનાં દરવાજા તથા ત્યાં હાજર એક વ્યક્તિ સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કર્યો હતો, જોકે તેમણે મજાકમાં કહ્યું કે ખાવાની બાબતમાં આ મુલાકાત નિરાશાજનક રહી હતી.
આ ભવ્ય કાર્યક્રમમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઉપરાંત વિપક્ષી ગઠબંધનના અનેક દિગ્ગજ નેતાઓ એકમંચ પર જોવા મળ્યા હતા. જેમાં સપા પ્રમુખ અખિલેશ યાદવ, ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી, તમિલનાડુના સીએમ સી. જોસેફ વિજય, ઝારખંડના સીએમ હેમંત સોરેન અને જમ્મુ-કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લા ખાસ હાજર રહ્યા હતા.
આ ઉપરાંત, કર્ણાટક અને હિમાચલ પ્રદેશ સહિત કુલ 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમજ કોંગ્રેસ વર્કિંગ કમિટીના લગભગ તમામ સભ્યોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. અન્ય પ્રમુખ ચહેરાઓમાં જનાર્દન દ્વિવેદી, મહેબૂબા મુફ્તી, સુપ્રિયા સુલે, ફારુક અબ્દુલ્લા, હામિદ અંસારી, અશોક ગેહલોત અને મોન્ટેક સિંહ અહલુવાલિયા જેવા દિગ્ગજ નેતાઓ પણ સામેલ થયા હતા.
સોનિયા ગાંધીની આત્મકથાની માત્ર એક અઠવાડિયામાં 2 લાખથી વધુ નકલો વેચાઈ
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની આત્મકથા ‘બિલોન્ગિંગઃ એ જર્ની ઓફ લવ’ એ પ્રકાશન જગતમાં નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે, જે લોન્ચ થયાના એક અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં 2 લાખથી વધુ નકલોના વેચાણ સાથે ભારતની સૌથી ઝડપથી વેચાતી નોન-ફિક્શન અને મેમોઇર (સંસ્મરણ) બુક બની ગઈ છે.
પ્રકાશક હાર્પરકોલિન્સ ઇન્ડિયાના સીઈઓ અનંત પદ્મનાભને પુસ્તકના ઔપચારિક વિમોચન પ્રસંગે જણાવ્યું હતું કે, આ પુસ્તક ભારતનાં પ્રકાશન ઇતિહાસમાં સૌથી ઝડપથી ડિલિવર થનાં પુસ્તક પણ બન્યું છે, જે બજારમાં આવ્યાના પહેલાં જ દિવસે માત્ર 10 મિનિટમાં 15,000 નકલો વેચાઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે, પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા દ્વારા સંપાદકીય ફેરફારોના મુદ્દે આ પ્રોજેક્ટ પડતો મુકાયા બાદ હાર્પરકોલિન્સે 12 અઠવાડિયાથી પણ ઓછા સમયમાં આ પુસ્તક પ્રકાશિત કર્યું હતું, જેને વાચકો તરફથી અદભૂત પ્રતિસાદ મળી રહ્યો છે.

