New Delhi,તા.10
કેન્દ્ર સરકારે મસૂર દાળ પર 10 ટકા આયાત ડ્યૂટી લગાવવાની જાહેરાત કરી છે. તદુપરાંત દેશમાં ઉપલબ્ધતા વધારવા પીળા વટાણાની ડ્યૂટી-ફ્રી આયાત મર્યાદા ત્રણ મહિના લંબાવી 31 મે,2025 કરી છે.
સરકારે આ અંગે માહિતી આપી હતી. સરકારે આઠ માર્ચથી વિવિધ દાળ પર પાંચ ટકા બેઝિક કસ્ટમ ડ્યૂટી અને પાંચ ટકા એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ (AIDC) લગાવી છે. સરકારના આ પગલાંથી મસૂરની દાળના ભાવ વધવાની શક્યતા છે. જ્યારે પીળા વટાણામાં રાહત મળવાનો અંદાજ છે.
અત્યાર સુધી મોટાભાગની દાળ ડ્યૂટી ફ્રી આયાત થતી હતી. સરકારે શરૂઆતમાં ડિસેમ્બર, 2023માં પીળા વટાણાની ડ્યૂટી ફ્રી આયાતને મંજૂરી આપી હતી. બાદમાં 28 ફેબ્રુઆરી સુધી આ મર્યાદાને ત્રણ વખત લંબાવવામાં આવી હતી. અંદાજ અનુસાર, 2024 દરમિયાન દેશમાં કુલ 67 લાખ ટન દાળ આયાત થઈ હતી. જેમાં પીળા વટાણાની આયાત 30 લાખ ટન નોંધાઈ હતી.
વધુમાં સરકારે કણકી ચોખાની નિકાસ પરથી પ્રતિબંધ હટાવી લીધો છે. સપ્ટેમ્બર, 2022માં આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો. વિદેશ વ્યાપાર મહાનિર્દેશાલયે જારી કરેલી નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, કણકી ચોખાની નિકાસ નીતિને તાત્કાલિક ધોરણે પ્રતિબંધિતમાંથી મુક્ત કરવામાં આવી છે. તેના ઈન્વેન્ટરીમાં વૃદ્ધિના કારણે શિપમેન્ટની મંજૂરી આપવામાં આવી છે.
ગતવર્ષે નોન-બાસમતી ચોખાની વિદેશી શિપમેન્ટ પર 490 ડોલર પ્રતિ ટનની મિનિમમ એક્સપોર્ટ પ્રાઈસ દૂર કરવામાં આવી હતી. નોન બાસમતી ચોખાની નિકાસ પરથી પણ પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો હતો.
દેશમાં સરકારી ગોડાઉનોમાં ચોખાનો પર્યાપ્ત સ્ટોક ઉપલબ્ધ છે. રિટેલ કિંમતો નિયંત્રણમાં છે. 2023-24માં ભારતે ગાંબિયા, બેનિન, સેનેગલ અને ઈન્ડોનેશિયા જેવા દેશોમાં 19.45 કરોડ ડોલરના કણકી ચોખાની નિકાસ કરી હતી. વર્ષ-2022-23માં આ આંકડો 98.34 કરોડ ડોલર અને 2021-22માં 1.13 અબજ ડોલર હતો.