(મિલાપ રૂપારેલ) Amreli, તા.14
અમરેલી જિલ્લામાં હાલ પડી રહેલી કાળઝાળ ગરમીથી માત્ર માનવીઓ જ નહીં પરંતુ જંગલના રાજા ગણાતા સિંહો પણ વ્યથિત બન્યા છે. 43 થી 45 ડિગ્રી સુધી પહોંચેલા આકરા તાપમાન વચ્ચે બૃહદ ગીર વિસ્તારના સિંહો ગરમીથી રાહત મેળવવા પાણીનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. ત્યારે સાવરકુંડલા તાલુકાના ઘોબા ગામ નજીક આવેલી સ્થાનિક નદીમાં બે સિંહો પાણીમાં ઉતરી ઠંડક મેળવતા હોય તેવા અદ્ભુત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ભોલો અને બૂસો નામથી ઓળખાતા બે સિંહોના અલગ અલગ વીડિયો સ્થાનિકો દ્વારા મોબાઈલ કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા. આ વાયરલ થયેલ વીડિયોમાં સિંહો નદીના પાણીમાં ડૂબકી લગાવી ગરમીમાંથી રાહત મેળવતા નજરે પડે છે. સામાન્ય રીતે જંગલમાં રાજાશાહી અંદાજમાં જોવા મળતા સિંહો આકરા ઉનાળામાં પાણીમાં ઉતરતા હોવાના દ્રશ્યોે લોકોએ ક્યારેય ઓછા જોયા હોવાથી વીડિયો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
બૃહદ ગીર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમીનો માહોલ છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ બની જતા હોય છે. ત્યારે વન્ય પ્રાણીઓ પણ છાંયો અને પાણીની શોધમાં નીકળતા જોવા મળે છે. સાવરકુંડલા તાલુકાના ઘોબા ગામ નજીક નદીના પાણીમાં આરામથી બેસેલા સિંહોના દ્રશ્યોે સ્થાનિકો માટે પણ કુતુહલનું કેન્દ્ર બન્યા હતા.
વન્યજીવ પ્રેમીઓના જણાવ્યા મુજબ, વધતા જતાં તાપમાનના કારણે સિંહો સહિતના પ્રાણીઓ પાણીના સ્ત્રોતો તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે. જંગલ વિસ્તારમાં પાણીની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વન વિભાગ પણ સતત મોનીટરીંગ કરી રહ્યો છે. ઉનાળાના બળબળતા તાપમાં જંગલના રાજાનો આ અનોખો અંદાજ હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ બની રહ્યો છે. અને લોકો આ વીડિયોને અદ્ભુત પ્રકૃતિ દ્રશ્ય તરીકે શેર કરી રહ્યા છે.

