New Delhi, તા.15
ગુજરાત સહિત દેશના મોટાભાગના ક્ષેત્રોમાં મેઘરાજાએ બ્રેક લીધો છે અને ચિંતા વધવા લાગી છે. જ્યારે બંગાળની ખાડીમાં નવું લો-પ્રેસર ઉદ્ભવતા ચોમાસુ ફરી સક્રિય થવાની આશા સર્જાઇ છે.
હવામાન વિભાગ દ્વારા આજે સવારે જારી કરાયેલા બુલેટીન મુજબ ઉતરીય બંગાળની ખાડી તથા સંલગ્ન દક્ષિણ બાંગ્લાદેશના અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ ઉત્તર ઓડિશા તથા પશ્ચિમ બંગાળના કાંઠા પર ઉત્તર પશ્ચિમી બંગાળની ખાડીમાં આજે સવારે લો-પ્રેશર બન્યું છે. તેને સંલગ્ન સાયક્લોનિક સરક્યુલેશન 7.6 કીમીની ઉંચાઇએ દક્ષિણ-પશ્ચિમી ઝુકાવ ધરાવે છે.
આ સિસ્ટમ સમગ્ર ઉતરીય ઓડિશા તથા પશ્ચિમ બંગાળમાં આવતા બે દિવસમાં પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે. આ સિવાય ઉત્તર ગુજરાત તથા લાગૂ દક્ષિણ પશ્ચિમી રાજસ્થાન પર 5.8 કિમીની ઉંચાઇએ અપર એર સાયક્લોનિક સરક્યુલેશન છવાયેલું છે.
સાયક્લોનિક સરક્યુલેશનરૂપે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉતરીય પાકિસ્તાન તથા લાગૂ જમ્મુમાં 5.8 કીમીની ઉંચાઇએ છે તેવી જ રીતે પૂર્વ ઉત્તર પ્રદેશમાં 5.8 કીમીની ઉંચાઇએ અપર એર સાયક્લોનિક સરક્યુલેશન છે.
રીપોર્ટ પ્રમાણે ચોમાસુ રેખા જમ્મુ, દેહરાદૂન, બરેલી, ગોરખપુર, પટણા, બાંકુરાથી લો-પ્રેશર વિસ્તાર અને ત્યાંથી પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાંથી પસાર થાય છે.
તા.20 સુધી હજુ અમુક સ્થળોએ માત્ર છૂટો છવાયો વરસાદ
હવામાન ખાતાની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર-કચ્છ તથા મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠાવાડામાં તા.20 જુલાઇ સુધી અમુક સ્થળોએ માત્ર છુટોછવાયો વરસાદ થવાની જ શક્યતા છે. જ્યારે તા.17થી તા.20 દરમિયાન કોકણ અને ગોવામાં વ્યાપક વરસાદ થઇ શકે છે.
તા.16 સુધી વિજળીના કડાકાભડાકા અને અંડરસ્ટોર્મની પણ શક્યતા છે. મરાઠાવાડામાં એકાદ-બે સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

