(૩) એકવાર નારદજીએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો હતો.
હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.
રામચરીત માનસમાં ભગવાન શ્રીરામના અવતાર લેવાના પાંચ કારણ બતાવ્યા છે એમાંનું ભગવાનના અવતાર લેવાનું ત્રીજું કારણ એકવાર નારદજીએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો હતો તે કથા કહેતાં ભગવાન શંકર પાર્વતીજીને કહે છે કે નારદ શ્રાપ દીન્હ એકબાર..એકવાર નારદજીએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો હતો.આ સાંભળતાં માતાજીને નવાઇ લાગી કે પ્રભુ નારદજી તો વિષ્ણુભક્ત છે,જ્ઞાની છે. ભગવાને નારદજીનો એવો કયો અપરાધ કર્યો કે નારદજી જેવા સંતે એમને શ્રાપ આપ્યો? અને પરીણામે ભગવાને મનુષ્ય થવું પડ્યું? ત્યારે ભગવાન શિવે ભવાનીને કહ્યું કે દેવી ! તમે નારદજીને જ્ઞાની ગણો છો એ તમારી મોટી ભૂલ છે.આ જગતમાં કોઇ જ્ઞાની નથી અને કોઇ મૂરખ નથી.ભગવાન શિવે બહુ સાચી વાત કહી છે.ઇશ્વર જ્યારે જેને જેવો બનાવે ત્યારે તે તેવો બની જાય છે.જો માણસો ખરેખર જ્ઞાની હોય તો એ કોઇ દિવસ ખોટાં કામ કરે જ નહી અને દુનિયામાં બધા મૂઢ હોય તો કોઇ દિવસ એનાથી સારાં કામ થાય નહી પણ ઇશ્વર જ્યારે જેવો જીવને બનાવે ત્યારે તેવો બને છે.વિશ્વામિત્ર જેવા હજારો વર્ષની સાધના પછી પણ એક મિનિટમાં મેનકાની પાછળ મૂઢ બની જાય છે અને રત્નાકર જેવો લૂંટારો નારદજીના સત્સંગમાં આવીને વાલ્મિકી ઋષિ બની જાય તો કોન જ્ઞાની? કોન મૂઢ?
ભગવાન શિવ કહે છે કે તમારા જ્ઞાની ગુરૂદેવ નારદજીએ કેટલી મોટી ભૂલ કરી તેની કથા સાંભળો. એકવાર નારદજી હિમાલયની તળેટીમાં ફરતા હતા.એક સુંદર આશ્રમ જોયો.નારદજીને એમ લાગ્યું કે હું ખુબ ફર્યો હવે એક જગ્યાએ બેસીને સાધના કરૂં તેમ વિચારી આશ્રમમાં બેસીને હરિનું સ્મરણ કરવા લાગ્યા. હરિનું સુમિરણ કરીને નારદજીએ જ્યાં શરૂઆત કરી ત્યાં દક્ષરાજાનો શ્રાપ તૂટી ગયો,નહીંતર દક્ષનો નારદજીને શ્રાપ હતો કે તમે એક જગ્યાએ નહી બેસી શકો,તમે સતત ભટકતા જ રહેશો પણ આજે હરિનું સુમિરણ કર્યું તો શ્રાપ-ગતિ કુંઠિત થઇ ગઇ અને નારદજીને સમાધિ લાગી ગઇ.નારદજી અખંડ ધ્યાનમાં લીન બની ગયા.હવે નારદજીને સમાધિમાં બેઠેલા જોઇને દેવરાજ ઇન્દ્રને ચિંતા થવા લાગી.ઇન્દ્રને થયું કે નારદજી કોઇ દિવસ સમાધિમાં બેસે નહી અને આ ઓચિંતા ધ્યાનમાં બેસી ગયા,એ નક્કી મારૂં ઇન્દ્રાસન લઇ લેશે.
તુલસીદાસે લખ્યું છે કે દુનિયામાં જેટલા કામી અને લોભી હોય એ બધાથી ડરતા હોય છે.બહારથી ભલે ગમે તેમ બોલે પણ કામી અને લોભી નિર્ભિક હોતા નથી એ બધાથી ડરતા હોય છે.નિર્ભય તો માણસ સત્યના માર્ગે હોય ત્યારે જ હોય છે.ઇન્દ્રને ગભરામણ થાય એટલે પછી વિક્ષેપ કરવાની તૈયારી કરે છે. નારદજી કાંઇ એની ગાદી માટે થોડા તપ કરતા હતા? પણ કૂતરૂં હાડકું મોઢામાં લઇને ફરતું હોય અને ઓચિંતો સિંહ દેખાય એટલે કૂતરૂં હાડકું લઇને ભાગે,એને એમ કે આ સિંહ મારા મોઢામાંથી હાડકું લઇ લેશે. કૂતરાને ખબર નથી કે સિંહ બીજાનું મારેલું ના ખાય.આવી રીતે કોઇ સાધના કરે ત્યારે ઇન્દ્રરૂપી કૂતરાને પોતાનું ગાદીરૂપી હાડકું બચાવવાની ઇચ્છા થાય એટલે તેમને કામદેવને બોલાવ્યા.કામદેવ અપ્સરાઓ લઇને આવે છે.નારદજીની ચારે બાજુ નૃત્ય શરૂ કર્યું પણ જેની રક્ષા ખુદ રામ કરે તેમને વિચલિત કરી શકાતો નથી એટલે કામદેવે ફુલનો હાર લઇ નારદજીને પહેરાવ્યો,દંડવત્ પ્રણામ કર્યા અને પછી વખાણ કર્યા કે તમે જીતેન્દ્રિય,સંતશિરોમણી છો.જ્યાં વખાણ કર્યા ત્યાં ધીરે ધીરે આંખ ખુલી.વખાણમાં બહુ તાકાત હોય છે.નારદ જેવાને ડોલાવી દે તો હું અને તમે કંઇ ગણતરીમાં? શિવે કામને જોયો અને ગુસ્સો આવ્યો, નારદજીને ગુસ્સો ના આવ્યો.દુર્ગુણ ઉપર ક્રોધ કરવો જોઇએ.બધાએ સન્માન કર્યું તેથી નારદજીને અહંકાર આવ્યો કે મેં કામને જીત્યો,હું શિવ કરતાં આગળ નીકળી ગયો.નારદજીને થયું કે મેં કામ જીત્યો અને બધા મારા વખાણ કરે છે પણ આ ખબર કોઇએ શિવને આપ્યા કે નહી? અને કોઇએ ના આપ્યા હોય તો હું જાતે ખબર આપવા જાઉં.નારદજી જાતે કૈલાશ ખબર આપવા જાય છે.ભગવાન શિવ જાતે આવકારવા ગયા. તેમને ખબર પડી ગઇ કે નારદજી અત્યારે બિમાર છે.તેમને આસન આપ્યું,પૂજા કરીને પુછ્યું કે ઘણા દિવસ પછી આપના દર્શન થયા એટલે નારદજીએ કહ્યું કે આપને કંઇ ખબર નથી મળ્યા? હું હિમાલયની ગુફામાં સાધના કરતો હતો ત્યાં કામદેવ આવ્યો પણ કાંઇ કરી શક્યો નહી.હું કામ વિજેતા છું.શિવ સમજી ગયા કે આને બિમારી લાગુ પડી છે.શિવજીને એમ કે મારા આંગણે આવ્યા છે તો રામકથા કહેશે પણ નારદજીએ તો કામકથા શરૂ કરી.શિવે કહ્યું કે આપ તો બ્રહ્મચારી-સંયમી છો કામદેવ શું કરી શકે પણ એક વિનંતી કે આ કામના વિજ્યની કથા મને સંભળાવી તે ભગવાન વિષ્ણુને ના સંભળાવશો.શિવે નારદજી ના હિતની વાત કરી પણ નારદજીએ તેનો ખોટો અર્થ કર્યો.શિવ કરતાં હું આગળ નીકળી ગયો તે એમને ગમ્યું નથી તેથી ના પાડી હતી.નારદજી હરિગુણ ગાતાં ગાતાં ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ પાસે જાય છે.અહંનો નિયમ છે તમે જ્યાં ના પાડો ત્યાં પહેલું જાય છે.ભગવાન વિષ્ણુએ સત્કાર કર્યો અને કહ્યું કે ઘણા દિવસે દયા કરી, હમણાં તો આપનાં દર્શન થતાં નથી.જ્યાં વિષ્ણુ ભગવાને આવો પ્રશ્ન પુછ્યો એટલે નારદે ચાલુ કર્યું.હમણાં મને સમય જ ક્યાં હતો? અને શંકરજીએ ના પાડી હતી છતાં કામદેવની કથા ચાલુ કરી.ભગવાન હસવા લાગ્યા અને કહ્યું કે આપ તો સંત છો તમોને કામદેવ શું કરી શકે?
ધન્ય છે એવા સંતોને કે જે પોતાના ગુણોના વખાણ સાંભળે ત્યારે એને એમ લાગે કે મને કોક ગાળો આપે છે,આવી ભૂમિકા આવે ત્યારે પ્રભુની નજીક જવાય છે.ભગવાન સમજી ગયા કે નારદજીના મનમાં અહંકાર આવી ગયો છે અને તે વધી જશે તો સંતનું અકલ્યાણ થશે.તેમનું હિત થાય અને મને કૌતુક થાય એવી લીલા કરૂં.નારદજીએ વિદાય લીધી અને ભગવાને નારદજીના માર્ગમાં ચારસો ગાઉના પ્રદેશમાં માયાવી નગરી બનાવી.શીલનિધિ નામના રાજાને બેસાડ્યો,એની કન્યા તરીકે પોતાની માયાને કહ્યું કે તૂં પોતે વિશ્વમોહિની રૂપ ધારણ કરીને જા.અનેક રાજા-મહારાજા બનાવ્યા.અદભૂત રૂપ લઇને વિશ્વમોહિની આવી અને એનો સ્વયંવર થાય આવું બધું ઉભું કર્યું.નારદજી ત્યાંથી નીકળ્યા.તેમને થયું આ નગર કોનું? આટલા બધા રાજાઓ? આ બધું શું છે? પુછતાં પુછતાં તે શીલનિધિના ઘેર ગયા.રાજાએ તેમનો સત્કાર કરી પોતાની પૂત્રી બતાવી કે આ મારી કન્યા વિશ્વમોહિની છે,તેનો કાલે સ્વયંવર છે.તે જેને પસંદ કરશે તેના ગળામાં જયમાળા પહેરાવશે.અમારા સદભાગ્ય કે આવા શુભ પ્રસંગે આપ પધાર્યા છો તો મારી પૂત્રીનું ભાગ્ય જોઇ આપો કે એનું નસીબ કેવું છે?
વિશ્વમોહિનીને જોઇને નારદજીને આકર્ષણ થયું કે આવી કન્યા મને મળે તો મારે લગ્ન કરવા છે. વિચારો બદલાયા.કોન જ્ઞાની કોન મૂઢ? તેમને કન્યાના હાથનો સ્પર્શ થતાં મોહથી ભરાઇ ગયું અને હાથના બદલે ચહેરો જોવા લાગ્યા.નારદજી વિચારે છે કે આને જે પરણશે તે ચૌદ બ્રહ્માંડનો અધિપતિ થશે,આને જે પરણશે તેને ઘડપણ નહી આવે,તેનું મૃત્યુ નહી થાય,તેને જગતમાં કોઇ જીતી નહી શકે.હકીકતમાં હસ્તરેખામાં એવું હતું કે ચૌદ બ્રહ્માંડનો અધિપતિ હશે તે આને પરણશે પરંતુ નારદજી અવળું વાંચે છે અને નારદજી વિદાય લે છે.જંગલમાં જઇ નારદજી વિચારે છે કે આ કન્યાને પરણવા રૂપ જોઇએ અને તે માટે ભગવાન વિષ્ણુને યાદ કર્યા કે તરત તે પ્રગટ થયા તો નારદજીએ તેમનું રૂપ માંગ્યું.ભગવાને કહ્યું કે આપનું પરમ હિત થાય એમ જ કરીશ.નારદજીને ભ્રમ થયો કે હું વિષ્ણુ જેવો રૂપાળો થઇ ગયો.સ્વયંવરમાં દાખલ થતાં જ તમામ રાજાઓને નારદજી દેખાયા એટલે તમામે ઉભા થઇ અભિવાદન કર્યું.નારદજી પ્રથમ હરોળમાં જ બેસી ગયા.શિવના બે ગણો બ્રાહ્મણના વેશમાં ફરતા હતા તેમને બધા ભેદની ખબર હતી એટલે નારદજી સાંભળે તેમ અંદરોઅંદર ચર્ચા કરી નારદજીના વખાણ કરવા લાગ્યા.
વિશ્વમોહિની વરમાળા લઇને નીકળ્યાં ત્યારે તેને નારદજીનો ચહેરો વાનર જેવો લાગ્યો તેથી તેમની સામે તો ના જોયું પણ તેમની લાઇનમાં બેઠેલા રાજાઓ સામે પણ ના જોયું અને મધ્યભાગમાં ભગવાન વિષ્ણુ રાજકુમારનું રૂપ લઇને બેઠા હતા તેમને વરમાળા પહેરાવી દીધી.શંકરજીના ગણોથી રહેવાયું નહી તેથી કહ્યું કે તમે ગામ બહારના તળાવમાં મોઢું જુઓ.નારદજીએ તળાવમાં પોતાનું મોઢું જોયું તો વાનર જેવું ! તેથી શિવગણોએ મશ્કરી કરી તેથી તેઓને રાક્ષસ બનવાનો શ્રાપ આપ્યો અને ભગવાન વિષ્ણુએ મારી આ દશા કરી છે,મેં આખી જીંદગી તેમના નામનું સુમિરણ કર્યું છતાં મારી આવી દશા કરી છે હવે વિષ્ણુ મળે તો કાં તો એ નહી કે કાં હું નહી.ભગવાને લીલા કરવી હતી એટલે વિશ્વમોહિની તથા માતા લક્ષ્મી સાથે સામા જ મળ્યા અને નારદજીનો ક્રોધ બેકાબૂ બન્યો અને કહ્યું કે તારા જેવો જગતમાં કોઇ સ્વાર્થી,કુટિલ,કપટી,ધોખેબાજ નથી તેવી ગાળો બોલે છે અને ભગવાન ર્હંસે છે ત્યારે નારદજીએ શ્રાપ આપ્યો કે તમારે ત્રેતાયુગમાં મનુષ્યનો અવતાર લેવો પડશે,તમે વિશ્વમોહિનીના વિયોગમાં મને તડપાવ્યો છે એટલે વિયોગનું દુઃખ શું હોય છે તેનો જાત અનુભવ થાય તે માટે તમારી પત્નીને કોઇ લઇ જશે ત્યારે એના વિયોગમાં તડપશો,મને વાનરની આકૃતિ આપીને મને જગતમાં મશ્કરીને પાત્ર બનાવ્યો છે તેથી જ્યારે તમે માનવ અવતાર લેશો ત્યારે વાનર-રીંછ સિવાય કોઇ તમોને મદદ નહી કરે-આ મારો શ્રાપ છે.
ભગવાને નારદના ચારેય શ્રાપ મસ્તકે લગાડી માયા ખેંચી લીધી તો નથી નગર,નથી વિશ્વમોહિની કે નથી લક્ષ્મીજી.ફક્ત ભક્ત અને ભગવાન છે.નારદજીના મનમાંથી માયા ગઇ તો સભાન થઇ ગયા. ભગવાનના ચરણોમાં પડી માફી માંગી અને કહ્યું કે હું જે કંઇ ગાળો બોલ્યો,શ્રાપ આપ્યા તે ખોટું છે.ત્યારે ભગવાને ર્હંસીને કહ્યું કે મારી ઇચ્છાથી આ બધું થયું છે.ભગવાને કહ્યું કે ભગવાન શંકરના નામનો જપ કરો જેથી વિશ્રામ મળશે.શિવગણોએ મશ્કરી કરી હતી તેમને નારદજીની માફી માંગી.સંતને દયા આવી અને કહ્યું કે તમારે રાક્ષસ તો બનવું પડશે પણ મારો આર્શિવાદ છે કે તમે મહાન રાક્ષસ બનશો અને તમોને મારવા માટે પરાત્પર બ્રહ્મને હાથે તમારૂં મૃત્યુ થશે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)