Amreli,તા.23
રાજકોટ રીજિયનના 1ર જિલ્લાઓની 99 આઈ.ટી.આઈ. વચ્ચે યોજાયેલી મોડેલ સ્પર્ધામાં ખાંભા આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓ ઘ્વારા તૈયાર કરાયેલ આ મેન્યુઅલ ફલોર કલીનીંગ મશીને દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ પ્રોજેકટનું નિદર્શન રાજકોટ ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલએક્ઝિબિશન’ માં કરવામાં આવ્યું હતું. આ મશીન રાજયની આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓની ઉત્તમ ટેકનિકલ ક્ષમતાનું પ્રતિબિંબ છે. વિવિધટ્રેડની ટેકનિકલ સ્કિલ્સનો સંકલન કરીને તાલીમાર્થીઓ ઘ્વારા આ મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે.
.જે તેમની નવીન વિચારશક્તિત અને વ્યવહારૂ તાલીમનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડે છે. મેન્યુઅલ ફલોર કલીનીંગ મશીનની ડિઝાઇન ખાસ કરીને વર્કશોપ, ઔદ્યોગિક ફલોર, વિશાળ હોલ અને કોરિડોર જેવા મોટા વિસ્તારોની સફાઈ સરળ, ઝડપી અને અસરકારક રીતે કરવા માટે તૈયાર કરવામાં આવી છે. આ મશીન વીજળી કે અન્ય કોઈ બળતણ વિના કાર્યરત થતું હોવાથી તે પર્યાવરણમૈત્રી, ઘોંઘાટ રહિત તથા ન્યુનતમ મેઈન્ટેનન્સ સાથે કાર્યક્ષમ છે. મશીનની ફ્રેમ જીઆઈ સ્કવેર પાઈપમાંથી બનાવવામાં આવી છે, જે તેને મજબૂતાઈ અને કઠોરતા પ્રદાન કરે છે.
ફ્રેમના નીચેના ભાગમાં રોટેટિંગ બ્રશ લગાવવામાં આવ્યો છે, જે ફલોર સાથે સીધા સંપર્કમાં રહી કલીનીંગ કાર્ય કરે છે. મશીનની ગતિ માટે બંને બાજુ સપોર્ટિંગ વ્હીલ્સ આપવામાં આવ્યા છે, જેમાં વ્હીલ્સની આગળની ગતિ ચેઈન-સ્પ્રોકેટ તથા 90 ડિગ્રી બીવેલ ગિયર મિકેનિઝમ ઘ્વારા બ્રશને ફેરવે છે અને ફલોર પર રહેલી ધૂળ તથા કચરો દૂર કરે છે.

