Mumbai,તા.27
જામનગર એરપોર્ટ પર જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને હિટમેન તરીકે જાણીતા રોહિત શર્મા, વિશ્વના ઘાતક બોલર જસ્પ્રીત બુમરાહ અને ન્યુઝીલેન્ડના સ્પીડ સ્ટાર ટ્રેન્ટ બોલ્ટ તેમજ બપોર બાદ હાર્દિક પંડ્યા, તિલક વર્મા, મલિંગા સહિતના ખેલાડીઓ ઉતર્યા, ત્યારે ચાહકોની ખુશીનો પાર રહ્યો નહોતો. એરપોર્ટની બહાર ક્રિકેટ પ્રેમીઓ તેમના મનપસંદ ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે ઉમટી પડ્યા હતા.
આ ખેલાડીઓ સાથે તેમના પરિવારના સભ્યો પણ જોવા મળ્યા હતા. જામનગર અને રિલાયન્સ પરિવારનો જૂનો નાતો છે, અને અવારનવાર અહીં દેશ-વિદેશની હસ્તીઓ મહેમાન બનતી હોય છે.
ત્યારે શુક્રવારે મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ મહેમાન બનતા જામનગરનું એરપોર્ટ હાઈ-પ્રોફાઈલ સેલિબ્રિટી હબ બની ગયું છે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે તમામ ખેલાડીઓને એરપોર્ટથી સીધા રિલાયન્સ ટાઉનશિપ તરફ લઈ જવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં અહીં અન્ય પણ ઘણી મોટી હસ્તીઓ ઉતરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, જેના કારણે હાલારમાં ક્રિકેટ ફિવર સાથે સેલિબ્રિટી ફિવર પણ જોવા મળી રહ્યો છે.

