New Delhi,તા.03
દુનિયા આ સમયે AIની `ગોલ્ડ રશ’ (સોનું મેળવવાની ઘેલછા)માં ફસાયેલી છે અને તેના કેન્દ્રમાં સેમીકન્ડક્ટર ચિપ્સ છે. છેલ્લાં એક વર્ષમાં આ ચિપ કંપનીઓએ રોકાણકારો માટે આશરે 10 ટ્રિલિયન ડોલરની સંપત્તિ બનાવી છે.
આ રકમ ભારતનાં કુલ શેરબજારના મૂલ્ય કરતાં લગભગ બમણી છે. ચિપ કંપનીઓના શેરોએ છેલ્લા 12 મહિનામાં અસાધારણ રિટર્ન આપ્યું છે અને આ દરમિયાન કેટલાય શેર રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગયા છે. AIની વધતી જતી માંગથી સેમીકન્ડક્ટર સેક્ટર અમેરિકા સહિત કેટલાય શેરબજારોમાં સૌથી મૂલ્યવાન ક્ષેત્ર અને સૌથી મોટો હિસ્સેદાર બની ગયું છે.
એનવીડિયા, ટીએસએમસી, એસકે હાઈનિક્સ અને માઇક્રોન ટેક જેવી કંપનીઓ આ ઉછાળાની આગેવાન રહી છે. જોકે, વર્તમાન તેજી વચ્ચે ઇતિહાસ એવો પણ સંકેત આપે છે કે સેમીકન્ડક્ટર ઉદ્યોગનો દરેક ઉછાળો હંમેશાં કાયમી હોતો નથી. આવા સમયે સવાલ ઉઠી રહ્યો છે કે શું AIથી પેદા થયેલો આ ચિપ બૂમ લાંબા સમય સુધી ટકશે કે પછી ગઈ વખતની જેમ કોઈ મોટા સુધારા (કરેક્શન)નો સામનો કરશે ?
નિષ્ણાતોએ જણાવ્યું કે, આવનારા ક્વાર્ટર્સ (ત્રિમાસિક ગાળા) માં જો કંપનીઓ મજબૂત પરિણામો આપે છે અને કંપનીનું મેનેજમેન્ટ પોતાની યોજનાઓને સફળતાપૂર્વક લાગું કરે છે, તો ચિપ શેરોમાં તેજી થોડા સમય સુધી ચાલું રહી શકે છે.
AI થી થનારા વાસ્તવિક પરિવર્તનની પૂરી તસવીર હજી પણ સાફ નથી. આ જ કારણ છે કે રોકાણકારોએ માત્ર તેજીના ઉત્સાહમાં વહી જવાના બદલે સાવચેતી રાખવાની જરૂર છે.
નિષ્ણાતોનું માનવું છે કે, ડોટ કોમ બૂમની જેમ અતિશય અપેક્ષાઓ ભવિષ્યમાં મોટા જોખમો પણ પેદા કરી શકે છે. તેથી લાંબા ગાળાના રોકાણકારો માટે ત્વરિત નફાના બદલે જોખમ સંચાલન (રિસ્ક મેનેજમેન્ટ) અને સંતુલિત રોકાણ વ્યૂહરચના અપનાવવી એ વધુ સમજદારીભર્યું પગલું હશે.
કેટલી મોટી છે તક
બ્લૂમબર્ગના જણાવ્યાં અનુસાર 2026-27 દરમિયાન એમેઝોન, માઇક્રોસોફ્ટ, ગુગલ, મેટા, ઓરેકલ જેવી મોટી ટેક કંપનીઓ ડેટા સેન્ટર અને AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આશરે 1.5 ટ્રિલિયન ડોલર ખર્ચ કરી શકે છે. આ રોકાણનો 60 ટકા હિસ્સો ચિપ્સ અને કમ્પ્યુટિંગ હાર્ડવેર પર જશે.
સાયક્લિક કારોબાર એક પડકાર
સેમીકન્ડક્ટર ઉદ્યોગ એવું ક્ષેત્ર નથી જે હંમેશાં એક સરખી રફતારથી વધતું રહે. સોફ્ટવેર કંપનીઓથી વિપરીત, ચિપ ઉદ્યોગ એક ચક્રીય (સાયક્લિક) કારોબાર છે, જ્યાં માંગ અને નફામાં સમય-સમય પર મોટા ઉતાર-ચઢાવ આવે છે. નિષ્ણાતોએ કહ્યું કે, વર્તમાન માહોલ ઘણી રીતે 90 ના દાયકાના ડોટ કોમ બૂમ જેવો છે.
સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીના ખેલાડીઓ
♦ એનવીડિયા : GPU ડિઝાઇન અને વેચાણ કરે છે. પોતે ચિપનું નિર્માણ નથી કરતી, ટીએસએમસી જેવી ફાઉન્ડ્રી પાસે નિર્માણ કરાવે છે. 90 ટકા આવક ડેટા સેન્ટર કારોબારમાંથી આવે છે.
♦ બ્રોડકોમ : ડેટા સેન્ટરમાં ઉપયોગમાં લેવાતી ચિપ ડિઝાઇન અને સપ્લાય કરે છે. કુલ આવના 60 ટકા ચિપ કારોબારમાંથી મળે છે. મોટાભાગનું નિર્માણ ટીએસએમસી, ફોક્સકોન વગેરે પાસે કરાવે છે.
♦ એએમડી : ડેટા સેન્ટર અને કમ્પ્યુટર માટે CPU અને GPU ડિઝાઇન કરે છે. પોતે નિર્માણ નથી કરતી અને ટીએસએમસી , યુએમસી , સેમસંગને ઉત્પાદન સોંપે છે.
♦ ટીએસએમસી : દુનિયાની સૌથી મોટી ચિપ નિર્માણ કંપની. અન્ય કંપનીઓ દ્વારા ડિઝાઇન કરાયેલી ચિપ્સનું ઉત્પાદન કરે છે. આવના 58 ટકા AI PC અને સર્વર CPU માંથી આવે છે.
♦ માઇક્રોન : મેમરી ચિપ્સનું ડિઝાઇન અને નિર્માણ કરે છે. 55 ટકા આવક ડેટા સેન્ટર કારોબારમાંથી આવે છે, જેમાં 35 ટકા હિસ્સો મોટા ક્લાઉડ ઓપરેટરોનો છે.
♦ અન્ય ખેલાડીઓ : એસકે હાઈનિક્સ મેમરી ચિપનું નિર્માણ કરે છે. સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ પણ ચિપ કારોબારમાં છે, જ્યારે ચિપ નિર્માણમાં વપરાતી હાઈ-એન્ડ લિથોગ્રાફી સિસ્ટમમાં ASML નો એકાધિકાર (મોનોપોલી) છે.
યુએસ સ્ટોક માર્કેટના ઇન્ડેક્સ એસએન્ડપી 500 (SP 500) અને સેમિકન્ડક્ટર સ્ટોક્સમાં આવેલી જબરદસ્ત તેજી
માહિતી મુજબ, છેલ્લાં એક વર્ષમાં અમેરિકી સ્ટોક માર્કેટ ઇન્ડેક્સ એસએન્ડપી 500માં 28 ટકાનો ઉછાળો આવ્યો છે, જેના કારણે તેના માર્કેટ કેપમાં 14.77 ટ્રિલિયન ડોલરનો જંગી વધારો નોંધાયો છે.
આ તેજીની પાછળ મુખ્યત્વે ચિપ કંપનીઓના સ્ટોક્સ જવાબદાર છે, જેમાં માર્કેટ કેપમાં થયેલો વધારો (અરબ ડોલરમાં) અને આપેલું રિટર્ન (ટકાવારીમાં) નીચે મુજબ છે
♦ એનવીડિયા : તેનાં માર્કેટ કેપમાં 1,714 અરબ ડોલરનો વધારો થયો છે અને તેણે 54 ટકાનું રિટર્ન આપ્યું છે.
♦ ટીએસએમસી : માર્કેટ કેપ 1,147 અરબ ડોલર વધ્યું છે અને 149 ટકાનું શાનદાર રિટર્ન આપ્યું છે.
♦ એસકે હાઇનિક્સ: માર્કેટ કેપમાં 1,000 અરબ ડોલરનો વધારો થયો છે અને તેણે સૌથી વધુ 1024 ટકાનું બમ્પર રિટર્ન આપ્યું છે.
♦ બ્રોડકોમ : માર્કેટ કેપમાં 977 અરબ ડોલરનો ઉછાળો આવ્યો છે અને 80 ટકાનું રિટર્ન આપ્યું છે.
♦ સેમસંગ : માર્કેટ કેપ 996 અરબ ડોલર વધ્યું છે અને 458 ટકાનું રિટર્ન મળ્યું છે.
♦ માઇક્રોન : માર્કેટ કેપમાં 987 અરબ ડોલરનો વધારો થયો છે અને 889 ટકાનું મોટું રિટર્ન આપ્યું છે.
♦ એએમડી : માર્કેટ કેપ 658 અરબ ડોલર વધ્યું છે અને 350 ટકાનું રિટર્ન નોંધાયું છે.
♦ એસએમએલ : માર્કેટ કેપમાં 332 અરબ ડોલરનો વધારો થયો છે અને તેણે 116 ટકાનું રિટર્ન આપ્યું છે.
♦ ઇન્ટેલ : તેનાં માર્કેટ કેપમાં 488 અરબ ડોલરનો વધારો થયો છે અને 451 ટકાનું રિટર્ન આપ્યું છે.
આ દર્શાવે છે કે, વૈશ્વિક સ્તરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજીની ડિમાન્ડ વધવાને કારણે ચિપ મેકિંગ કંપનીઓના માર્કેટ વેલ્યુએશન અને ઇન્વેસ્ટર્સના રિટર્નમાં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો છે.

