Madhya Pradeshતા, 25
સુરતથી કાનપુર જતી ખાનગી મુસાફર બસમાં મધ્યપ્રદેશનાં સરદારપુર નજીક મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. બસમાંથી અચાનક ધુમાડો નીકળતો જોઈને ડ્રાઈવર બસને રસ્તા પર ઊભી રાખીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે બસમાં સવાર મુસાફરોમાં ભારે અફરાતફરી અને નાસભાગ થઈ ગઈ હતી, જેમાં કેટલાક મુસાફરો દરવાજેથી દોડી ગયા હતા.
જ્યારે અન્યોએ બારીના કાચ તોડીને કુદી જઈ પોતાનો જીવ બચાવ્યો હતો. મુસાફરો દ્વારા મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના પહેલાં ગુજરાતનાં દાહોદ પાસે એક હોટેલ પર બસને આશરે ચાર કલાક સુધી રોકીને તેમાં કંઈક ટેકનિકલ રિપેરિંગ કામ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળની સફર દરમિયાન આ હોનારત સર્જાઈ હતી. આ અકસ્માતમાં કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જ્યારે મોટાભાગના મુસાફરોનો સામાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે સલામતીના ભાગરૂપે ટ્રાફિક ડાયવર્ટ કર્યો હતો અને ફાયર બ્રિગેડે ભારે જહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યાં બાદ પોલીસે અન્ય બસો દ્વારા તમામ મુસાફરોને આગળ રવાનાં કરવાની વ્યવસ્થા કરી આપી હતી.

