Palanpur,તા.૨૭
બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ, ભાભર અને દિયોદર પંથકમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ઉકળાટ અને ગરમીથી પરેશાન નાગરિકોને વરસાદથી મોટી રાહત મળી છે, તો બીજી તરફ વરસાદી માહોલ જામતા ધરતીપુત્રોમાં પણ આનંદની લહેર છવાઈ ગઈ છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. દિયોદર અને તેની આસપાસના ગ્રામ્ય પંથકોમાં આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને જોતજોતામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. દિયોદર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો જેવા કે સણાદર, રૈયા, લુદરા, અને નવા સહિતના તમામ નાના-મોટા ગામોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. લાંબા સમય બાદ આ પ્રકારે સાર્વત્રિક વરસાદ પડતાં સમગ્ર પંથકમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. જોકે, આજે વરસેલા અનરાધાર વરસાદના કારણે દિયોદર અને આસપાસના વિસ્તારોના નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. મુખ્ય માર્ગો અને સોસાયટીઓના નીચાણવાળા રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક સ્થળોએ વાહનો બંધ પડી જવાના કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે. જોકે, વહીવટી તંત્ર દ્વારા પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
બનાસકાંઠા એ કૃષિ પ્રધાન જિલ્લો છે અને અહીંના મોટાભાગના ખેડૂતો વરસાદ આધારિત ખેતી પર નિર્ભર છે. ચાલુ સીઝનમાં વાવણી કર્યા બાદ લાંબા સમય સુધી વરસાદ ખેંચાતા ખેડૂતો ભારે ચિંતામાં ડૂબી ગયા હતા. મોંઘા બિયારણ અને ખાતર નાખીને વાવેલો પાક આંખની સામે સુકાઈ રહ્યો હતો. પરંતુ આજે વાવ, થરાદ, ભાભર અને દિયોદરમાં વરસેલો આ વરસાદ ખેતી માટે ‘અમૃત સમાન’ સાબિત થયો છે. આ વરસાદથી પાકને જીવતદાન મળ્યું છે, જેથી ખેડૂતોમાં ભારે ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

