Morbi,તા.08
યુવતી સાથે ફોનમાં વાતચીત કરતા હોવાનો ખાર રાખી ઢીમ ઢાળી દીધું હતું
મોરબીમાં રહેતો યુવાન ફોનમાં યુવતી સાથે વાત કરતો હોવાની શંકાએ ત્રણ શખ્સોએ યુવાન ઉપર છરી વડે હુમલો કરી હત્યા કરી હતી. જે હત્યાના ગુનામાં સંડોવાયેલા એક શખ્સને હાઇકોર્ટે જામીન મુક્ત કરતો હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ મોરબીમાં રહેતા ભાવિક ભરતભાઈ પુજારા યુવતી સાથે ફોનમાં અવાર નવાર વાત કરતો હોવાની શંકાએ આરોપી ઈલ્યાસ બ્લોચ, નવાજ બ્લોચ, શહેઝાદ સીપાઈ મોરબીના ભક્તિનગર સર્કલ ખાતે ભાવિક પુજારાને આંતરી છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. આ અંગે મૃતક પિતા ભરતભાઈ લક્ષ્મીચંદ પુજારા પુત્રના હત્યારા ઈલ્યાસ બ્લોચ, નવાજ બ્લોચ, શહેઝાદ સીપાઈ સામે મોરબી એ.ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. જેલ હવાલે રહેલા આરોપી શહેઝાદ સબીર સીપાહીએ જેલમાંથી છૂટવા હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં આરોપીના એડવોકેટ દ્વારા દલીલ કરવામાં આવેલ હતી કે, આરોપી શહેઝાદએ ગુનામાં ભજવેલ ભાગ જોવામાં આવે તો મરણજનારને લાત તથા મુકકા મારેલ છે. જે મરણજનારના મરણોન્મુખ નિવેદન પરથી ફલીત થાય છે. અને શરતોને આધીન જામીન પર મુકત કરવા અરજ કરેલ તેમજ સામા પક્ષે સરકારી વકીલ ઘ્વારા દલીલ કરવમા આવેલ હતી કે સદર ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીની જામીન અરજી નામંજૂર કરવા અરજ કરેલ. દલીલો ધ્યાને લઈ હાઇકોર્ટએ જામીન મંજુર કર્યાં છે. આ કેસમાં આરોપી વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી રાજન કોટેચા, સ્તવન મહેતા, નીકુંજ શુકલ, કૃનાલ કોટેચા, બ્રિજેશ ચૌહાણ, ડેનીશા પટેલ, નીલરાજ રાના, સત્યજીતસિંહ જાડેજા, જય વણઝારા, શ્યામ ત્રીવેદી, પ્રકાશ ચાવડા તથા મદદનીશ તરીકે નીશાંત ચાવડા, ઋષીત રોહીત અને નીરંજન ભટ્ટી તેમજ ગુજરાત હાઈકોર્ટમાં મીનેશ એરીનપુરીયા તથા ર્દુગેશ એરીનપુરીયા રોકાયેલ હતા.
