Bhavnagar,તા.૨૬
Bhavnagarમાં કાળજું કંપાવી દે તેવો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ફૂટપાથ પર બેસીને વાહનની રાહ જોઈ રહેલી માતા-પુત્રીને એલટી બસે અડફેટે લેતાં બંનેનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. સિહોર-ટાણા-વરલ રૂટની બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળી રહી હતી ત્યારે ડ્રાઇવરે કાબૂ ગુમાવતા બસ ફૂટપાથ પર ચડી ગઈ હતી અને ત્યારબાદ ભરૂચા ક્લબની દીવાલ સાથે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અન્ય એક મહિલા પણ ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ સિહોર-ટાણા-વરલ રૂટની જી્ બસ ભાવનગર બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળી રહી હતી. તે સમયે અચાનક બસના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. બસ પૂરપાટ ઝડપે આગળ વધતી હતી અને ડ્રાઇવર સમયસર બ્રેક લગાવી ન શકતાં બસ સીધી ફૂટપાથ તરફ ધસી ગઈ હતી.
અકસ્મતે બસ ફૂટપાથ પર ચડી જતાં ત્યાં વાહનની રાહ જોઈને બેઠેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. બસની અડફેટે આવતાં ૨૮ વર્ષીય લલીતાબેન ગુલાબસિંહ પરમાર અને તેમની ૭ વર્ષની પુત્રી સોનિયાબેન ગુલાબસિંહ પરમાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા બંનેનાં મોત નીપજ્યાં હતાં.
ફૂટપાથ પર ચઢ્યા બાદ બેકાબૂ બનેલી એસટી બસ ભરૂચા ક્લબની દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતને પગલે સ્થળ પર લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં. ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. આ અકસ્માતમાં મધુબેન લાલજી વાઘેલા, ઉંમર ૪૮ વર્ષ, રહે. ઠોડા-ઉમરાળા પણ ઈજાગ્રસ્ત થયાં હતાં. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

