Iran,તા.02
ઈરાનમાં તળીયે ગયેલા અર્થતંત્ર અને સામાજિક નિયંત્રણો વચ્ચે ઈસ્લામિક શાસન વિરુદ્ધ દેખાવો સતત વધી રહ્યા છે. સુપ્રીમ લીડર આયાતોલ્લાહ ખામેનેઈ વિરુદ્ધ બળવો ચોથા દિવસે ઈરાનના ૨૧ પ્રાંતો સુધી ફેલાયો છે. દેખાવકારો ઈરાનમાં સત્તા પરિવર્તનની માગ કરી રહ્યા છે. ઈરાનમાં ઉગ્ર આંદોલન વચ્ચે દેખાવકારોએ પારામિલિટરી રિવોલ્યુશનરી ગાર્ડના એક સભ્યને મારી નાંખ્યો હતો.
ઈરાનમાં ઈસ્ફહાન, હમાદાન, બાબોલ, દેહલોરન, બાઘમલેક અને પિયાન જેવા શહેરોમાં દેખાવકારો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમણે સુપ્રીમ લીડર આયાતોલ્લાહ ખામેનેઈ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા, નિર્વાસિત રાજકુમાર રઝા પહલવીનું સમર્થન કર્યું અને પાછલા બળવામાં માર્યા ગયેલા દેખાવકારોને યાદ કર્યા હતા. આ સાથે ઈરાનના ૨૧ શહેરોમાં સ્થાનિક લોકોએ ધાર્મિક નેતા આયાતોલ્લાહ ખામેનેઈ વિરુદ્ધ દેખાવો કર્યા હતા.

