Amreli, તા.31
અમરેલી શહેર જાણે કે અંધેરી નગરી હોય તેમ જનપ્રતિનિધિઓની નિષ્ક્રીયતા વચ્ચે માર્ગ-મકાન વિભાગ ઘ્વારા નિયમોનો ઉલાળીયો કરીને બનાવાતા માર્ગોને લઈને શહેરનાં વાહનચાલકો માટે માર્ગો અગ્નિપથ સમાન બની ગયા છે.
શહેરમાં છેલ્લા થોડા મહિનાઓથી ચિતલ રોડ, વરસડા રોડને પહોળા અને નવા બનાવવાની કામગીરી આડેધડ કરવામાં આવી છે. માર્ગ કોણ બનાવે છે, કેવોબનાવવાનો છે, કયારે કામ પૂર્ણ થશે તેની વિગતો જાહેર કરાતી નથી.
સુરક્ષાનાં તમામ નિયમોનો ઉલાળીયો ખુલ્લેઆમ થઈ રહૃાો છે અને એકપણ જનપ્રતિનિધિ સરકારી અધિકારીને પ્રશ્ન કરતાં નથી અને જાગૃત નાગરિકોને સરકારી અધિકારીઓ સત્તાનાં મદમાં જવાબ આપતા નથી.
દરમિયાનમાં અમરેલીનાં ચિતલ રોડ ઉપર એરપોર્ટની દીવાલ નજીક નવો માર્ગ બની રહૃાો છે. ઠેબી જળાશયની જોખમી ગોળાઈ પસાર કરીને શહેરમાં પ્રવેશ કરનાર વાહનચાલકોને માટીનાં બનેલ સ્પ્રીડ બ્રેકરનો સામનો કરવો પડે છે.
એક તો વન-વે હોય તેમાં માટીનાં સ્પીડ બે્રકર દિવસે તો થોડા નજરે ચડે પરંતુ રાત્રિનાં સમયે માટીનાં સ્પીડ બે્રકર વાહનચાલકને નજરે ચડતા ન હોય ભયાનક અકસ્માત થવાની શકયતાઓ જોવા મળી રહી છે.
માર્ગ-મકાન વિભાગનાં અધિકારીઓને નિયમ મુજબ માર્ગ બનાવવામાં અને સાથે સ્પીડ બે્રકર બનાવવામાં શું પરેશાની થઈ રહી છે તે સમજાતું નથી. માર્ગ સુરક્ષા અંગે વાતાનુકુલિન કચેરીમાં માત્ર સુચનો, આયોજનો અને માર્ગદર્શન જ મળે છે. ગ્રાઉન્ડ ઉપર માર્ગ સુરક્ષાનો ખુલ્લેઆમ ઉલાળીયો થતો હોય તેવું સ્પષ્ટ રીતે જોવા મળે છે.

