Ahmedabad, તા.9
અમદાવાદના અસલાલીમાં આવેલ તીરૂપતી એસ્ટેટમાં લાખો રૂપિયાની ચોરીનો બનાવ બન્યો હતો છે. અહીં આવેલી નામાંકિત પાનમસાલા કંપનીના ગોડાઉનનું શટર તોડીને તસ્કરો લાખો રૂપિયાનો પાનમસાલાનો જથ્થો અને ઈન્ટરનેટના સાધનો ઉઠાવી ગયા હતા. વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે ચકચાર મચી ગઈ છે.
પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે ચોરોને પકડી પાડવા તપાસ શરૂ કરવામાં આવી છે. આ અંગે કંપનીના ગોડાઉનમાં છેલ્લા 11 વર્ષથી મેનેજર તરીકે નોકરી કરતા 56 વર્ષીય મહાવીરકુમાર ભંવરલાલ જૈને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સવારે સવા છ વાગ્યે કંપનીના સબ-કોન્ટ્રાક્ટરમાં કામ કરતા કર્મચારીએ તેમને ફોન કરીને ગોડાઉનનું શટર તૂટેલું હોવાની જાણ કરી હતી. ત્યારબાદ તેઓ અને કંપનીના અન્ય અધિકારીઓ ગોડાઉને દોડી ગયા હતા.
સીસીટીવી ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું હતું કે વહેલી સવારે 4ઃ00 થી 4ઃ40 વાગ્યાના અરસામાં 4 થી 5 જેટલા અજાણ્યા શખ્સો બોલેરો પીક-અપ ડાલામાં આવ્યા હતા અને ગોડાઉનનું શટર ઊંચું કરી, અંદર પ્રવેશીને ચોરી કરી હતી.
તસ્કરોએ અસલાલીના તીરૂપતી એસ્ટેટ સ્થિત ગોડાઉનમાંથી કુલ રૂપિયા 44,92,370ની ચોરી કરી બોલેરો પીકઅપમાં ભરીને ફરાર થઈ ગયા હતા. ચોરી થયેલ સામાનમાં પાનમસાલા (2.2 ગ્રામ)ના 13 બોક્સ અને પાનમસાલા (4 ગ્રામ)ના 65 બોક્સ (કિં.રૂ. 34,81,859), પાનમસાલા (100 ગ્રામ)ના 04 બોક્સ (કિં.રૂ. 1,81,944), તુલસી જર્દા (0.25 ગ્રામ)ના 06 બોક્સ (કિં.રૂ. 1,28,907), તુલસી જર્દા (0.45 ગ્રામ)ના 02 બોક્સ (કિં.રૂ. 51,657) અને તુલસી રોયલ ખજૂરની ડબ્બીના 06 બોક્સ (કિં.રૂ. 48,003) મળીને કુલ 96 બોક્સ (કિં.રૂ. 44,47,370)નો સમાવેશ થાય છે.

