એક શેઠ ઘણા જ દયાળુ અને ધર્મ-કર્મમાં વિશ્વાસ રાખતા હતા.તેમની પાસે જે કોઇ વ્યક્તિ ઉધાર માંગવા માટે આવે તેમને ક્યારેય તેઓ ના પાડતા ન હતા.શેઠજી મુનિમને બોલાવીને જે ઉધાર માંગવા આવતા વ્યક્તિને પુછતા કે આપ જે પૈસા ઉધાર લેવા માંગો છો તે ક્યારે પાછા આપશો? આ જન્મમાં કે આવતા જન્મમાં?
જે લોકો ઇમાનદાર હોય તે કહેતા કે શેઠજી..અમે આ જન્મમાં જ આપનું કર્જ ચુક્તે કરી દઇશું અને જે વધારે ચાલાક અને બેઇમાન હોય તે કહેતા કે શેઠજી..અમે આપનું કર્જ આવતા જન્મમાં ચુક્તે કરીશું અને પોતાની ચાલાકી પર મનમાં ખુશ થતા હતા અને વિચારતા કે આ શેઠ કેટલો મૂર્ખ છે..! આગલા જન્મમાં ઉધારના પૈસા પાછા લેવાની આશા લઇને બેઠા છે..! આવા લોકો મુનિમને પહેલાંથી જ કહી દેતા કે અમે લીધેલ કર્જ આવતા જન્મમાં પરત કરીશું ત્યારે મુનિમ આવા લોકો જે કહે તે મુજબ લખી લેતા અને માંગણી મુજબની રકમ આપતા હતા.
એક દિવસ એક ચોર શેઠજી પાસે પૈસા ઉધાર લેવા માટે આવે છે.તેને ખબર હતી કે શેઠ આગલા જન્મના વાયદે પૈસા ઉધાર આપે છે.તેનો ઇરાદો શેઠ પાસેથી ઉધાર પૈસા લેવા કરતાં શેઠની તિજોરી જોવાનો હતો.ચોરે શેઠ પાસે કેટલાક પૈસા ઉધાર માંગ્યા.શેઠે મુનિમને બોલાવીને માંગણી મુજબની રકમ ઉધાર આપવા કહ્યું.મુનિમે ચોરને પુછ્યું કે ભાઇ તમે ઉધાર લીધેલ રકમ આ જન્મમાં કે આવતા જન્મે પરત ચુકવણી કરશો? ત્યારે ચોરે કહ્યું કે મુનિમજી હું ઉધાર લીધેલ રકમ આવતા જન્મમાં પરત કરીશ. મુનિમજીએ તિજોરી ખોલીને માંગણી મુજબની રકમ ચોરને આપે છે.ચોરે તિજોરી અને તિજોરીમાં ભરેલ રૂપિયા જોઇ લીધા અને નક્કી કર્યું કે આજ રાત્રિએ જ આ તિજોરી ખાલી કરી દઇશ.
ચોર રાત્રિના સમયે શેઠના ઘેર પહોંચી જાય છે અને શેઠની ભેંસોના તબેલામાં સંતાઇ જાય છે અને શેઠના ઉંઘી જવાની રાહ જુવે છે.ચોર ભેંસોની ભાષા સમજતો હતો.અચાનક ચોરે સાંભળ્યું કે ભેંસો અંદરોઅંદર વાતો કરી રહી છે.એક ભેંસ બીજીને પુછતી હતી કે બહેન તમે તો આજે જ આવ્યા છો? ત્યારે બીજી ભેંસ કહે છે કે શેઠનું ગયા જનમમાં લીધેલ કર્જ ચુકવવા હું આજે જ તેમના તબેલામાં આવી છું. પહેલી ભેંસ કહે છે કે હું ત્રણ વર્ષથી શેઠના તબેલામાં આવી છું.મેં ગયા જન્મમાં શેઠ પાસેથી આવતા જન્મમાં પરત ચુકવવાના વાયદે પૈસા લીધા હતા.ત્યારબાદ મારૂં મૃત્યુ થયું અને હું ભેંસ બનીને શેઠનું કર્જ ચુકવવા તેમના તબેલામાં આવી છું.હવે દૂધ આપીને શેઠનું કર્જ ઉતારી રહી છું અને જ્યાંસુધી કર્જ પુરૂ ના થાય ત્યાંસુધી અહીયાં રહેવું પડશે.
ચોરે ભેંસોની વાત સાંભળી તો તેના હોંશ ઉડી ગયા અને તબેલામાં બાંધેલી બીજી અનેક ભેંસો તરફ જુવે છે.તેની સમજમાં આવી ગયું કે આ જનમમાં ચુકવો કે આવતા જનમે..ઉધાર તો ચુકવવું જ પડે છે. ચોરી કરવાનો વિચાર પડતો મુકીને તે ઘેર ભાગી જાય છે અને બીજા દિવસે શેઠ પાસેથી લીધેલ ઉધાર રકમ પરત કરી દે છે.
આપણે બધા આ દુનિયામાં એટલા માટે આવ્યા છીએ કે અમારે કોઇકની પાસેથી કંઇક લેવાનું હોય છે તો કોઇકને આપવાનું હોય છે.આપણે બધા હિસાબ ચુક્તે કરવા માટે જ અહી ભેગા થયા છીએ.પૂર્વ જન્મનો હિસાબ ચુકવવા કોઇ પૂત્ર બનીને આવે છે તો કોઇ પૂત્રી બનીને આવે છે.કોઇ પિતા બનીને આવે છે તો કોઇ માતા બનીને આવે છે.કોઇ પતિ બનીને આવે છે તો કોઇ પત્ની બનીને આવે છે.કોઇ પ્રેમી બનીને આવે છે તો કોઇ પ્રેમિકા બનીને આવે છે.કોઇ મિત્ર બનીને આવે છે તો કોઇ શત્રુ બનીને આવે છે. કોઇ પડોશી બનીને આવે છે તો કોઇ સગાસબંધી બનીને આવે છે.કોઇ સુખ આપવા આવે છે તો કોઇ દુઃખ આપવા આવે છે.કોઇ આપણું નામ રોશન કરવા સગાવ્હાલા બનીને આવે છે તો કોઇ આપણા જીવનમાં આપણને બદનામી આપવા આવે છે.સુખ હોય કે દુઃખ હિસાબ તો આપણે બધાએ આપવો જ પડે છે.આ પ્રકૃતિનો સનાતન નિયમ છે.
આ વિશે બીજી એક બોધકથા જોઇએ..એક ધર્મશાળામાં પતિ-પત્ની પોતાના નાનકડા પૂત્ર સાથે રોકાયા હતા.ધર્મશાળા કાચી હતી.દિવાલોમાં તિરાડો પડી ગઇ હતી.આસપાસ જંગલ હતું.પતિ-પત્ની પોતાના નાનકડા પૂત્રને આંગણામાં બેસાડીને બજારમાં જાય છે.બજારમાંથી પાછા આવીને જુવે છે તો બાળકની સામે એક મોટો નાગ ફેણ ફેંલાવીને બેઠો છે.આ ભયંકર દ્રશ્ય જોઇને દંપતિ ગભરાઇ જાય છે. બાળક નાગની ફેણ ઉપર ધૂળ ફેંકી રહ્યો હતો અને નાગ ફેણ નમાવીને ધૂળથી બચવા પ્રયત્ન કરતો હતો. આ દ્રશ્ય જોઇને દંપતિ બુમાબુમ કરે છે.લોકોની ભીડ ભેગી થાય છે.ભીડમાં એક નિશાનેબાજ હતો જે ઉંટગાડી ચલાવવાનો ધંધો કરતો હતો.તે કહે છે કે નિશાન તાકીને હું દૂરથી નાગને મારી શકું તેમ છું પરંતુ જો નિશાન ચુકી જવાય અને બાળકને નુકશાન થાય તો તેની જવાબદારી મારી નહી.આપ કહો તો નાગને મારવા હું કોશિશ કરૂં.
પૂત્રની સામે વિષધર નાગ બેઠેલો છે.આવા સમયે કયા મા-બાપ ના પાડે.દંપતિ તેયાર થાય છે અને કહે છે કે આપ સાપને મારવા માટે કોશિશ કરો અને ભૂલથી બાળકને નુકશાન થશે તો અમે આપને કોઇ ફરીયાદ નહી કરીએ.ઉંટવાળાએ નિશાન તાક્યું અને સાપ જખ્મી થઇને મૂર્છિત થઇ જાય છે.લોકોએ વિચાર્યું કે સાપ મરી ગયો છે.લોકોએ તેને ઉપાડીને વાડમાં ફેંકી દીધો.રાત્રિનો સમય થાય છે.ઉંટવાળો તે ધર્મશાળામાં જ ઉંટગાડીમાં જ સૂઇ જાય છે.રાત્રે ઠંડો પવન ફુંકાય છે.મૂર્છિત સાપ ભાનમાં આવે છે અને ઉંટગાડીવાળાના પગમાં ડંખ મારીને ચાલ્યો જાય છે.સવારમાં લોકો જુવે છે તો ઉંટવાળો મરી ગયો હોય છે.
દૈવયોગથી એક સર્પવિદ્યાનો જાણકાર પણ આ ધર્મશાળામાં રોકાયો હતો,તે કહે છે કે સાપને પાછો બોલાવીને ઝેર ખેંચાવવાની વિદ્યા હું જાણું છું.અહી કોઇ આઠ-દશ વર્ષનું નિર્દોષ બાળક હોય તો તેના ચિત્તમાં સાપના સૂક્ષ્મ શરીરને બોલાવીને તેની સાથે વાર્તાલાપ કરાવી શકું છું.ગામમાંથી એક આઠ-દશ વર્ષના બાળકને લાવવામાં આવે છે અને તે બાળકમાં સાપના જીવને બોલાવવામાં આવે છે.તેને પુછવામાં આવ્યું કે તેં ઉંટવાળાને ડંખ કેમ માર્યો? ત્યારે બાળકમાં આવેલ સાપનો જીવ કહે છે કે હું નિર્દોષ હતો.મેં ઉંટવાળાનું કશું બગાડ્યું નહોતું તેમછતાં તેને મને નિશાન બનાવીને ઘાયલ કર્યો હતો એટલે મેં બદલો લીધો છે.બાળક તારી ઉપર માટી નાખી રહ્યો હતો તેને તો તેં કશું ના કર્યું? ત્યારે સાપ કહે છે કે આ બાળક તો મારો ત્રણ જન્મ પહેલાંનો લેણદાર છે.ત્રણ જન્મ પહેલાં હું મનુષ્ય હતો.મેં તેની પાસેથી ત્રણસો રૂપિયા ઉધાર લીધા હતા પરંતુ પાછા આપી શક્યો નહોતો અને અત્યારે પાછા આપવાની મારી ક્ષમતા પણ નથી અને આવી ખરાબ યોનિનું દુઃખ હું ભોગવી રહ્યો છું.
સંયોગવશ કાલે તે મને મળી ગયો તો હું મારી ફેણ ઝુકાવીને તેની માફી માંગી રહ્યો હતો અને તે મારી ઉપર માટી ફૈંકીને મને કહી રહ્યો હતો કે ધિક્કાર છે તને કે તૂં મારૂં દેવું ચુકવી ના શક્યો.અમારા પૂર્વ જન્મના લેણદેણની વાતોની વચ્ચે આ ઉંટગાડીવાળો વચ્ચે ટપકી પડ્યો અને મેં તેનું કંઇ બગાડ્યું ના હોવા છતાં મને માર્યો એટલે મેં બદલો લીધો છે.સર્પવિદ્યાના જાણકારે સાપને સમજાવ્યો કે તૂં અમારૂં કહ્યું માન અને ઝેર ચુંસીને તેને જીવનદાન આપ, ત્યારે સાપ કહે છે કે હું તમારૂં કહ્યું માનું પણ તમારે પણ મારૂં કહ્યું માનવું પડશે.મારી તો વૈર લેવાની યોનિ છે પણ જો ઉંટવાળો મને પાંચસો રૂપિયા આપે તો હું ઝેર ચુંસી લઉં.આ બાળક પાસેથી ત્રણ જન્મ પહેલાં મેં ત્રણસો રૂપિયા લીધા હતા જે મારે વ્યાજ સહિત તેને પાંચસો રૂપિયા આપી ઋણ મુક્ત થવું છે. એક સજ્જને પાંચસો રૂપિયા બાળકના માતાપિતાને આપ્યા.સાપનો જીવ પોતાના દેહમાં જઇને ઉંટવાળાનું ઝેર ચુંસી લે છે અને ઉંટવાળો આળસ મરડીને ઉભો થાય છે.
જ્યાંસુધી આત્મા-પરમાત્માનું જ્ઞાન ના થાય ત્યાંસુધી કર્મોનું ઋણાનુબંધ ચુકવવું જ પડે છે એટલે નિષ્કામ કર્મ કરીને ઇશ્વરને સંતુષ્ટ કરીએ.ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સંત(હાલમાં સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ) ની શરણ લઇ આત્મા-પરમાત્માનો અનુભવ કરી આ જન્મમાં જ જીવતાં જીવ મુક્તિ પ્રાપ્ત કરી લઇએ.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)