New Delhi,તા.૧૬
રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)એ પહેલગામ બિયાસરણ આતંકવાદી હુમલાના સંદર્ભમાં જમ્મુની વિશેષ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં ચાર આતંકવાદીઓ, બે તેમને આશ્રય આપવાના આરોપીઓ અને લશ્કર-એ-તૈયબા અને તેના મુખ્ય સંગઠન, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટના નામ છે. તપાસ એજન્સીએ ૧,૫૯૭ પાનાની ચાર્જશીટમાં પાકિસ્તાનના કાવતરાની વિગતવાર માહિતી આપી છે.
એજન્સી કહે છે કે પાકિસ્તાન ભારત સામે આતંકવાદને પ્રાયોજિત કરવાનું ચાલુ રાખે છે. ચાર્જશીટમાં, એનઆઇએ એ હાફિઝ સઈદના નેતૃત્વ હેઠળના લશ્કર-એ-તૈયબા અને હબીબુલ્લાહ મલિક ઉર્ફે સાજિદ જટ્ટ,ટીઆરએફના નામ હુમલાના આયોજન અને અમલમાં મૂકવા માટે આપ્યા છે. ૨૨ એપ્રિલના આતંકવાદી હુમલામાં ૨૫ પ્રવાસીઓ અને એક સ્થાનિક પોની ઓપરેટર માર્યા ગયા હતા. તપાસ એજન્સી દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદીના પાકિસ્તાની હેન્ડલર, સાજિદ જટ્ટને પણ ચાર્જશીટમાં આરોપી તરીકે નામ આપવામાં આવ્યું છે. ચાર્જશીટમાં ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓના નામ પણ શામેલ છે જેમણે લોકોને તેમના ધર્મ વિશે પૂછ્યા પછી ગોળીબાર કર્યો હતો.
શ્રીનગરની બહારના વિસ્તારમાં આવેલા દાચીગામમાં ૨૯ જુલાઈના રોજ હાથ ધરવામાં આવેલા ઓપરેશન મહાદેવમાં સેના દ્વારા આ ત્રણેયને માર્યા ગયા હતા. દ્ગૈંછના નિવેદન મુજબ, ત્રણેયની ઓળખ ફૈઝલ જટ્ટ ઉર્ફે સુલેમાન શાહ, હબીબ તાહિર ઉર્ફે જિબ્રાન અને હમઝા અફઘાની તરીકે થઈ હતી. એનઆઇએએ ચાર્જશીટમાં આરોપીઓ સામે ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવા બદલ ભારતીય દંડ સંહિતાની કલમો પણ લાગુ કરી હતી.
એજન્સીએ આઠ મહિના સુધી ચાલેલી વિગતવાર, વૈજ્ઞાનિક તપાસ બાદ આ ચાર્જશીટ તૈયાર કરી હતી.એનઆઇએએ આતંકવાદીઓને આશ્રય આપવાના આરોપી પરવેઝ અહેમદ અને બશીર અહેમદ જોથરનું પણ ચાર્જશીટમાં નામ આપ્યું હતું. બંનેની ૨૨ જૂને ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન, તેઓએ હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓને ઓળખી કાઢ્યા અને પુષ્ટિ કરી કે તેઓ પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા પાકિસ્તાની નાગરિક હતા.
એનઆઇએએ જણાવ્યું છે કે હુમલા પાછળના કાવતરા, આતંકવાદી લિંક્સ અને સપોર્ટ નેટવર્કનો પર્દાફાશ કરવા માટે વધુ તપાસ ચાલુ રહેશે. કોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે ખાસ કોર્ટે આરોપો પર સુનાવણી માટે ૫ જાન્યુઆરી માટે કેસ સૂચિબદ્ધ કર્યો છે. એનઆઈએની ટીમ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ખાસ કોર્ટમાં પહોંચી. દસ્તાવેજોવાળા સીલબંધ બોક્સ વાહનમાંથી ઉતારીને કોર્ટમાં લઈ જવામાં આવ્યા.

