(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૮
Jamnagar શહેર અને જિલ્લાના લોકો જે ક્ષણની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આખરે આવી પહોંચી છે. છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી, ભારે ઉકળાટ અને બફારાથી ત્રસ્ત બનેલા નગરજનોને આજે મેઘરાજાએ રાહતનો અહેસાસ કરાવ્યો હતો. શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મોસમના પ્રથમ નોંધપાત્ર વરસાદી ઝાપટાં વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
સવારે ૧૧.૦૦ વાગ્યા બાદ અચાનક આકાશમાં ઘેરા કાળા વાદળો છવાઈ જતાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ શરૂ થયેલા વરસાદે આશરે ૧૫ થી ૨૦ મિનિટ સુધી પોતાની હાજરી નોંધાવી હતી. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે આ ઝાપટું રાહત અને ખુશી બંને લઈને આવ્યું હતું.વરસાદ પડતાં જ શહેરના અનેક વિસ્તારોમાં લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. કેટલાક યુવાનો અને બાળકો વરસાદમાં ભીંજાઈને મોસમની પ્રથમ વરસાદી મજા માણતા નજરે પડ્યા હતા. વરસાદના કારણે રસ્તાઓ ભીના બન્યા હતા અને વાતાવરણમાં તાજગી પ્રસરી ગઈ હતી.
Jamnagar શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાંની અસર જોવા મળી હતી. ખેડૂતોમાં પણ ખુશીની લાગણી પ્રસરી છે, કારણ કે ચોમાસાની શરૂઆતના સંકેતો વચ્ચે કૃષિ કાર્યને નવી આશા મળી છે.

