Ayodhya તા.૧૦
અયોધ્યાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં રામ મંદિર પરિસરમાં નમાઝ પઢવાનો પ્રયાસ કરતા એક યુવકની સુરક્ષા દળોએ અટકાયત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, યુવકે રામ મંદિર પરિસરના નમાઝ પઢવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષાકર્મીઓ અને પોલીસ દ્વારા જ્યારે યુવકને અટકાવવામાં આવ્યો, ત્યારે તેણે નારેબાજી શરૂ કરી દીધી હતી, જે બાદ ઘટનાસ્થળે હાજર સુરક્ષા દળોએ તેની તાત્કાલિક અટકાયત કરી હતી.
આ ઘટનાની માહિતી મળતાં જ ગુપ્તચર એજન્સીઓ, સ્થાનિક પોલીસ અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓ સક્રિય થઈ ગયા છે. યુવકની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેના ઇરાદા તથા પૃષ્ઠભૂમિની ઊંડી તપાસ કરવામાં આવી રહી છે. જોકે, આ મામલે હજુ સુધી કોઈ અધિકારીનું સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. તો રામ મંદિર ટ્રસ્ટે પણ આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી. સૂત્રોનું કહેવું છે કે, યુવકની ઓળખ કાશ્મીરના શોપિયાંના રહેવાસી અહેમદ શેખ તરીકે થઈ છે. અહેમદ શેખ ગેટ ડી-૧ દ્વારા મંદિરમાં પ્રવેશ્યો હતો. તે રામ મંદિર સંકુલમાં નમાઝ પઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે કેટલાક લોકોની નજર તેના પર પડી ગઈ. જે બાદ મંદિરના સુરક્ષાકર્મીઓએ તેને અટકાવ્યો હતો, જેથી યુવક નારેબાજી કરવા લાગ્યો હતો. હાલ યુવકની અટકાયત કરવામાં આવી છે.
સૂત્રોનું કહેવું છે કે, આ મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ દરેક પાસાની તપાસ કરી રહી છે, જેથી કોઈ પણ પ્રકારની અફવા કે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ઉભી ન થાય.

