છરી-પિસ્તોલ , ઓળખ છુપાવવા માસ્ક-બુકાની લઈને આવેલી ગેંગ પ્લાન અમલમાં મૂકે તે પૂર્વે જ સળિયા પાછળ ધકેલી દેવાયા
Surat,તા.15
સુરતમાં કરોડોની કિંમતના હીરાની લૂંટના કાવતરાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. દેશના ખૂંખાર અપરાધીઓની ગેંગ અને જેલ સિપાહીની ટોળકીએ ખાનગી ટ્રાવેલ્સની બસ હાઇજેક કરી આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી હીરાની લૂંટ ચલાવી લેવાનો ખૌફનાક પ્લાન ઘડ્યો હતો. જેના માટે પૂરતા હથિયારો લઈને ટોળકી સૂરત ખાતે પહોંચી હતી પણ આ પ્લાનની અમલવારી થાય તે પૂર્વે જ સુરત પોલીસે છ સભ્યોની ટોળકીને ઝડપી લઇ મોટી ઘટના બને તે પૂર્વે જ લગામ લગાવી દીધી હતી.
સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં આંગડિયા પેઢી તેમજ હીરા પાર્સલો લઈ જતી બસ પર થાળ પાડવાનો પ્લાનિંગ કરતી આંતરરાજ્ય ગેંગના ગુનેગાર જેમ્સ અલમોડાની સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આરોપી તેના સાગરીતો સાથે ગુનાને અંજામ આપે તે પહેલા જ એક પોલીસ કોન્સ્ટેબલ સહિત છ ઈસમોની ધરપકડ કરી તેમની પાસેથી ચાર પિસ્ટલ અને 40 રાઉન્ડ કારતૂસ જપ્ત કરવામાં આવ્યા. જેથી આ ઘટનાને લઈને હાલ ચકચાર મચી જવા પામી છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા કડોદરા સારોલી રોડ પર શંકાના આધારે એક હુન્ડાઈ વેરના કારને રોકી હતી. જેમ તપાસ કરવામાં આવતા કારની અંદરથી જેમ્સ અલમેડા અને સલાઉદ્દીન શેખ નામના ઈસમો મળી આવ્યા હતા.
આ બંને ઈસમો પાસેથી બે પિસ્તલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત કારની અંદર તપાસ કરતા કારમાં બે મરચી સ્પ્રે અને રેમ્બો છરો પણ મળી આવ્યો હતો. પૂછપરછમાં સામે આવ્યું કે, તેના અન્ય સાગરીતો કડોદરાના મહાદેવ નગર રેસીડેન્સીના તાતીથૈયા ખાતે રહે છે. તેથી આ જગ્યા પર રેડ કરતા પોલીસે રાજેશ પરમાર, રહીશખાન, ઉદયવીરસિંગ તોમર અને વિજય મેનબંસીની ધરપકડ કરી હતી.
આ તમામ આરોપીની પૂછપરછમાં પોલીસને જાણમાં મળ્યું હતું કે, આ ગેંગનો મુખ્ય આરોપી જેમ્સ ઉર્ફે સેમ અલમેડા છે અને તેની સામે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ તેમજ મુંબઈના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લૂંટ, ધાડ, પોલીસ જાપ્તા પર ફાયરિંગ, લૂંટ સમયે પોલીસ પર ફાયરિંગ, અને વાહન ચોરી સહિતના ગુના નોંધાયા છે.
જેમ્સની મુલાકાત રાજેશ પરમાર સાથે થઈ હતી. રાજેશ પરમાર શિવપુર મધ્યપ્રદેશ ખાતે જેલમાં સિપાહી તરીકે ફરજ બજાવતો હતો. રાજેશ પરમાર કિલ્લાકૂટ પોલીસ સ્ટેશન ખાતે 20 કિલો ગોલ્ડ ચોરીના કેસમાં જેલવાસ ભોગવી રહ્યો હતો અને ત્યારથી તે આરોપીનો મિત્ર બની ગયો હતો. જેલમાંથી છૂટ્યા બાદ જેમ્સ અને રાજેશ અવારનવાર એકબીજા સાથે મુલાકાત કરતા હતા અને તે દરમિયાન રાજેશ પરમાર દ્વારા જેમ્સની મુલાકાત ઉદય સાથે કરાવવામાં આવી હતી. ઉદય અગાઉ સુરત હીરા ઉદ્યોગ સાથે જોડાયો હતો અને તેને ખબર હતી કે સુરતમાંથી કઈ પ્રકારે હીરાની સપ્લાય થાય છે.
ઉદય તોમર દ્વારા જેમ્સને ટીપ આપવામાં આવી હતી કે, સુરતના હીરા બજારમાંથી રોજ શ્રી રામ ટ્રાવેલ્સની બસ સુરતથી વડોદરા મોટા પ્રમાણમાં હીરા તેમજ સોનાના જથ્થા સાથે જાય છે. તેથી જેમ્સ દ્વારા હથિયાર સાથે પોતાના સાગરીતોને સાથે રાખી બસને હાઈજેક કરી બસમાં તમામ વસ્તુની લૂંટ કરવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સુરત ક્રાઈમ બ્રાન્ચે લૂંટની ઘટના થાય તે પહેલા જ જેમ્સ અલમેડા અને પોલીસ કોન્સ્ટેબલ સહિત છ ઈસમોની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે જેમ્સ સામે અલગ અલગ રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 20 ગુના દાખલ થયા છે. તો ઉદય તોમર સામે સુરતના પાંડેસરા ક્રાઈમ બ્રાન્ચ અને લાલગેટ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના દાખલ થયા છે. રાજેશ પરમાર સામે અગાઉ 20 કિલો ગોલ્ડની ચોરીનો ગુનો દાખલ થયો છે. તો રહીશખાન સામે અગાઉ એક ગુનો દાખલ થયો છે.
આરોપીઓ પાસેથી પીસ્ટલ નંગ- ૩, તમંચો કાર, છરો મોબાઈલ નંગ ૬, વાઇફાઈ ડોંગલ-૩, પીસ્તોલ કાર્ટીઝ નંગ-૪૨, ધારદાર કટર, મીરચી સ્પ્રેની બોટલો નંગ -૦૨, ઇલેકટ્રીક વજનકાટા, બુકાની માસ્ક નંગ-૩, મળી કુલ્લ રૂ. ૪,૮૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરવામા આવેલ છે.