Ahmedabad,તા.22
ગુજરાત હાઈકોર્ટે કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી(સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વુમન એટ વર્કપ્લેસ(પ્રિવેન્શન, પ્રોહિબીશન એન્ડ રિડ્રેસલ) એક્ટ-2013 – પોશ એક્ટ) સંબંધિત એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં ઠરાવ્યું છે કે, પોશ એક્ટ એ મહિલાઓના રક્ષણ માટેનું એક શક્તિશાળી શસ્ત્ર છે, પરંતુ તેનો ઉપયોગ કોઈને અન્યાયી કે ખોટી રીતે નિશાન બનાવવા માટે ઢાલ(શીલ્ડ) તરીકે ન થવો જોઈએ. જ્યારે પણ કોઈ મહિલા દ્વારા આવી ખોટી ફરિયાદ કરવામાં આવે છે, ત્યારે તે માત્ર તે વ્યક્તિને જ નુકસાન નથી પહોંચાડતી, પરંતુ સમગ્ર કાર્યસ્થળના વાતાવરણને પણ ઝેરી બનાવી દે છે.
સહકારી મંડળીની એક મહિલા કર્મચારીએ કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી(અટકાવવા, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ(પોશ એક્ટ) હેઠળ મેનેજિંગ ડિરેક્ટર પર ગેરવર્તણૂક અને અયોગ્ય શારીરિક સંપર્કનો આરોપ લગાવતી કરેલી ફરિયાદમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હેમંત એમ. પ્રચ્છકે ઇન્ટરનલ કમ્પ્લેન કમિટી(આંતરિક ફરિયાદ સમિતિ)ના અંતિમ અહેવાલને રદ કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો અને આ મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે સાફ શબ્દોમાં જણાવ્યું કે, આંતરિક ફરિયાદ સમિતિના અંતિમ અહેવાલમાં કોઈ ગેરકાયદેસરતા નથી, તે કાયદેસર અને માન્ય ઠરે છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, જો જાતીય સતામણી વિરોધી કાયદાનો સાધન તરીકે ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે તો, તે સંસ્થામાં રિવર્સ બાયસ એટલે કે, વિપરીત પૂર્વગ્રહ તરીકે ઉભરી શકે છે. તેનાથી માત્ર નિર્દોષ વ્યક્તિઓની કારકિર્દી જ જોખમાતી નથી પરંતુ તે ગ્લાસ સીલીંગ્સ(કાચની છત) જેવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે, જે નિષ્ઠાવાન અને લાયક કર્મચારીઓની પ્રગતિમાં અવરોધરૂપ બને છે. હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, સમિતિએ પોશ એક્ટની કલમ-11 હેઠળ સમગ્ર મામલામાં વિગતવાર તપાસ હાથ ધરી હતી, જેમાં સીસીટીવી ફૂટેજ અને પોલીસ તપાસના અહેવાલો સહિતના પુરાવાઓની તપાસ કરવામાં આવી હતી. આમ કાયદાકીય માળખાનું સંપૂર્ણત: પાલન કરવામાં આવ્યું હતું. હાઈકોર્ટે જાતીય સતામણીના આરોપોને સંવેદનશીલ સ્વરૂપ પર પ્રકાશ પાડતાં પુરુષ આરોપીઓ સામે કાયદાના દુરુપયોગને લઈ વિપરીત પૂર્વગ્રહની ચેતવણી ઉચ્ચારી હતી.

