Amreli,તા.30
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ ગામ નજીક એક ખાનગી બસ પલ્ટી જવાની ઘટના સામે આવી છે. ભાવનગરથી લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને જામનગર પરત ફરી રહેલી બસ ચાવંડ ગામ પાસે ગોળાઈમાં પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પાંચ મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચી છે.
આ બનાવમાં મળતી માહિતી મુજબ, એક સિંધી પરિવાર લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને ભાવનગરથી જામનગર પરત ફરી રહ્યો હતો, ત્યારે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ ગામ નજીક રોડની ગોળાઈમાં ડ્રાઈવરે સ્ટેરીંગ ઉપરનો કાબૂ ગુમાતા બસ અચાનક પલ્ટી ગઈ હતી. અકસ્માત થતા બસમાં બેઠેલા મુસાફરોમાં ગભરાટ ફેલાય ગયો હતો.
આ અકસ્માતમાં ખુશીબેન સંતાણી (ઉં.વ 22),કિશોરભાઈ સંતાણી (ઉં.વ. 58), જ્યોતિબેન પ્રકાશભાઈ (ઉં.વ.48), દ્રોપદીબેન સુરેશભાઈ સંતાણી (ઉં.વ.53) તથા રવિભાઈ સંતાણી (ઉં.વ. 66) મળી કુલ 5 વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
સદનસીબે અકસ્માત ગંભીર હોવા છતાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જેને લઈને મુસાફરો અને તેમના પરિવારજનોમાં હાશકારો ફેલાયો છે. સ્થાનિક લોકો અને રાહદારીઓની મદદથી બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. હાલ તમામ ઇજાગ્રસ્તોની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

