સામાજિક કાર્યકર નાથાલાલ સુખડિયાએ કલેક્ટરને આવેદન પાઠવી તપાસની કરી માંગ
Amreli તા.18
અમરેલી જિલ્લામાંથી વહેતી શેત્રુંજી નદીમાં મોટા પાયે માછલીઓના મોતની ઘટના સામે આવતાં ભારે ચિંતા ફેલાય છે. અમરેલી નજીક આવેલ વડી ડેમમાંથી છોડાયેલા પાણી બાદ નદીમાં ઝેરી પદાર્થો કે કેમિકલ્સ ભળ્યા હોવાની શંકા વ્યક્ત કરી સામાજિક કાર્યકર નાથાલાલ સુખડિયાએ જિલ્લા કલેક્ટરને એક આવેદન પત્ર પાઠવી આ સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરવાની માંગ કરી છે.
અમરેલી જિલ્લામાં શેત્રુંજી નદીમાં કરોડો માછલીઓના મોતની ઘટના સામે આવતા અમરેલી જિલ્લાના પર્યાવરણ પ્રેમીઓ તેમજ સ્થાનિકોમાં ભારે ચિંતા વ્યાપી છે. આ મામલે સામાજિક આગેવાન નાથાલાલ સુખડિયાએ અમરેલી જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ કરવાની માંગ કરી હતી.
આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ અમરેલીની વડી ડેમમાંથી પાણી છોડાયા બાદ આ પાણી શેત્રુંજી નદીમાં ભળતાં શેત્રુજી નદીના વિવિધ વિસ્તારોમાં અચાનક મોટી સંખ્યામાં માછલીઓના મોત નોંધાયા હતા. પાણીમાં કોઈ ઝેરી પદાર્થ અથવા કેમિકલ્સ ભળ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
અમરેલી નજીક આવેલ ફતેપુર, ચાંપાથળ, દેવભુમિ દેવળીયા, નાના-મોટા ગોખરવાળા સહિતના વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ કરાવવા તેમજ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
જિલ્લા કલેક્ટરે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પાણીના નમૂનાઓની તપાસ કરાવી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હોવાનું જાણવા મળે છે.
આ સાથે પ્રદૂષિત પાણીના કારણે પ્રકૃતિ, જળચર જીવો અને વન્યજીવનને ખતરો ઉભો કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે.

