Rajkot, તા.4
રાજકોટ જિલ્લાએ ગ્રીન એનર્જી અને સૌર ઉર્જા ક્ષેત્રે નોંધપાત્ર સિધ્ધિ હાંસલ કરી દેશભરમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જે બદલ કેન્દ્ર સરકાર દ્વારા પીજીવીસીએલના એમ.ડી. કેતન જોશીને નેશનલ એવોર્ડથી નવાજવામાં આવેલ છે.
કેન્દ્ર સરકાર દ્વારા આજે નવી દિલ્હી ખાતે આયોજિત કરાયેલા ખાસ સમારોહમાં ગ્રીન એનર્જી અને સૌર ઉર્જા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પીજીવીસીએલના એમ.ડી. કેતન જોશીનું એવોર્ડ એનાયત કરી અભિવાદન કરવામાં આવેલ હતું.
આ અંગેની માહિતી આપતા જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી સૂર્ય ઘર અંતર્ગત સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશન બાબતે રાજકોટ જિલ્લો સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવ્યો છે. રાજકોટે આ મામલે દેશના અન્ય તમામ મોટા શહેરો અને જિલ્લાઓને પાછળ છોડીને ગ્રીન એનર્જી અપનાવવામાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનામાં રાજકોટ જિલ્લામાં 95600 કનેકશનનો ટાર્ગેટ હતો. જે અંતર્ગત 92203 કનેકશન અત્યાર સુધીમાં નખાઇ ચુક્યા છે અને જેનાથી 641 કરોડ રુપિયાની સબસીડી આપવામાં આવી છે.
આ એવોર્ડ સ્વીકારવા રાજકોટ પીજીવીસીએલના એમડી દિલ્હી ખાતે પહોંચ્યા છે. રાજકોટ જિલ્લાની આ ભવ્ય સફળતાથી હવે ગુજરાતના અન્ય જિલ્લાઓ પણ પ્રેરણા લઇ રહ્યા છે .
આગામી દિવસોમાં સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશનની ગતિ વધુ તેજ બને તેવી પૂરી સંભાવના છે. કલેક્ટર ડો. ઓમપ્રકાશએ સબસીડીવાળી આ યોજનાનો વધુને વધુ લાભ લેવા લોકોને અપીલ કરી હતી.

