Rajkot તા.28
ગુરુજીનગર ક્વાર્ટરમાં અમન ગુરૂંગની ધમકીઓથી કંટાળી નિકિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. નિકિતાને રાજકોટ સિવિલમાં દાખલ કરાઈ હતી. પોલીસે નિવેદન લેવા તજવીજ કરી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર, નિકિતા ગણેશભાઈ પરિહાર (ઉંમર વર્ષ 23, રહે. ગુરુજીનગર ક્વાર્ટર, સાધુ વાસવાણી રોડ, રાજકોટ) ગઈકાલે રાત્રે 11 વાગ્યાં આસપાસ પોતે ગુરુજીનગર ક્વાર્ટર ખાતે હતી ત્યારે ફીનાઇલ પી જતા તત્કાલ રાજકોટ સિવિલમાં દાખલ કરાઈ હતી. તેણીએ જણાવ્યું કે, હું 3 ભાઈ અને 2 બહેન ચોથા નંબરની છું. એક વર્ષ પહેલા મારી સગાઈ થઈ ગઈ છે.
મારા એક ભાઈના પત્ની સાથે અમારા જ નેપાળી સમાજનો અમન ગુરૂંગ નામનો યુવાન ફોનમાં વાતો કરતો હતો. આ વાતની મને જાણ થઈ હતી. મેં મારાં માતાને જાણ કરી હતી. જે વાતનો ખાર રાખી અમન મને અવારનવાર પરેશાન કરતો હતો.
ધમકીઓ આપતો હતો. અગાઉ મેં પોલીસ કમિશનરને અમન વિરુદ્ધ અરજી કરી હતી. જેનો ખાર રાખી ગઈકાલે તે લોકોનું ટોળું લઈને અમારા ઘરે આવ્યો હતો. મને ધાક ધમકી આપી હતી. જેથી ડરીને આ પગલું ભર્યું હતું. આ અંગે યુનિવર્સિટી પોલીસે નિકિતાનું નિવેદન લેવા માટે તજવીજ કરી હતી.

