Vadodara,તા.02
મહિને પાંચ ટકાનું વળતર ચૂકવવાની લાલચ આપી આર્મીના નિવૃત્ત કેપ્ટન પાસેથી ૧૩ લાખ પડાવી લેનાર ગઠિયાની સામે ફતેગંજ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
છાણી કૃષ્ણા પ્રાઇમમાં રહેતા મહેશભાઇ ચંદ્રસિંહ ભાકુની આર્મીના નિવૃત્ત કેપ્ટન છે. ફતેગંજ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,હાલમાં હું સામાજિક કાર્યકર તરીકે કામ કરૃં છું. વર્ષ – ૨૦૨૫ માં હું છાણી ટી.પી.-૧૩ સ્થાપત્ય ટુ એપાર્ટમેન્ટમાં રહેતો હતો.આ એપાર્ટમેન્ટમાં મયૂર લાડાણી રહેતો હોઇ મારી સાથે અવાર નવાર મુલાકાત થતી હતી. જાન્યુઆરી – ૨૦૨૫ માં તેણે મને એવું જણાવ્યું હતું કે, હું સ્માટર વેલ્થ મેનેજમેન્ટ નામની કંપની ચલાવુ છું. હું રોકાણ કરવાનું કામ કરૃં છું. તમે મારી કંપનીમાં રોકાણ કરશો તો દર મહિને પાંચ ટકા લેખે તમને વળતર આપીશ. મેં ઘણા રોકાણકારોને ફાયદો કરાવ્યો છે. તેની વાતોમાં વિશ્વાસ કરીને મેં શરૃઆતમાં ૧ લાખનું રોકાણ કર્યું ત્યારે મને વળતર તરીકે પાંચ હજાર રૃપિયા આપતા મને તેના પર વિશ્વાસ આવ્યો હતો. મેં તેની કંપનીમાં કુલ ૨૦ લાખનું રોકાણ કર્યું હતું. તે પૈકી ૭ લાખ પરત આપ્યા છે. સપ્ટેમ્બર -૨૦૨૫ સુધી તેણે રોકાણનું વ્યાજ આપ્યું હતું. ત્યારબાદ મારો ફોન રિસિવ કરવાનું બંધ કરી દીધું હતું. તેમજ વળતર પણ આપતો નહતો. ત્યારબાદ તે અન્ય સ્થળે રહેવા જતો રહ્યો હતો. હાલમાં તે અવધ રેસિડેન્સી ટી.પી. ૧૨ છાણીમાં રહે છે.

