Mumbai,તા.15
અદાણી ગ્રુપ અને કતર વચ્ચેના આર્થિક સંબંધો હવે એક નવા સ્તરે પહોંચી રહ્યા હોય તેમ જણાય છે. તાજેતરમાં દોહા ખાતે એક મહત્વની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણીએ કતર સેન્ટ્રલ બેંકના ગવર્નર અને કતર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (QIA) ના ચેરમેન શેખ બંદર બિન મોહમ્મદ બિન સઉદ અલ થાની સાથે મુલાકાત કરી હતી.
આ હાઈ પ્રોફાઈલ બેઠકમાં વૈશ્વિક નાણાકીય ક્ષેત્ર અને રોકાણના નવા પ્રવાહો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તે ભારતીય કંપનીઓ અને વૈશ્વિક નાણાકીય સંસ્થાઓ વચ્ચે વધતા જતા જોડાણને દર્શાવે છે. ખાસ કરીને તેમાં રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં અદાણી ગ્રુપની આંતરરાષ્ટ્રીય સ્તરે વધતી પહોંચ સ્પષ્ટ થાય છે. આ મુલાકાત આગામી સમયમાં રિન્યુએબલ એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મોટા રોકાણનો પાયો નાખી શકે છે.
કતર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (QIA) એ વિશ્વનું એક મોટું સોવરિન વેલ્થ ફંડ છે, જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી અને ટેકનોલોજીમાં રોકાણ કરે છે. અદાણી ગ્રીન જેવા મોટા પ્લેયર સાથેની તેમની આ ચર્ચા લાંબા ગાળાના આર્થિક વિકાસ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સમાં વૈશ્વિક ભાગીદારીના મહત્વને દર્શાવે છે. QIA જેવા મોટા રોકાણકારો માટે અદાણીના ગ્રીન હાઇડ્રોજન અને સોલર પ્રોજેક્ટ્સ ‘લો-કાર્બન ઇકોનોમી’માં રોકાણ કરવાની એક મોટી તક પૂરી પાડે છે.
અદાણી ગ્રુપ અને કતર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (QIA) વચ્ચે પહેલેથી જ ગાઢ વ્યાપારી સંબંધો છે. QIA એ અગાઉ અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડ (AEML) માં ૨૫% હિસ્સો ખરીદવા માટે આશરે ₹૩,૨૦૦ કરોડનું રોકાણ કર્યું હતું. ઉપરાંત ગત વર્ષે જ QIA એ અદાણી ગ્રીન એનર્જીમાં $૫૦૦ મિલિયન (આશરે ₹૪,૧૦૦ કરોડથી વધુ) નું રોકાણ કરીને ૨.૭% હિસ્સો મેળવ્યો હતો. ભારતના રિન્યુએબલ એનર્જી લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે આવા વિદેશી રોકાણો અત્યંત અનિવાર્ય છે.
અદાણી ગ્રુપનું લક્ષ્ય ૨૦૩૦ સુધીમાં ૪૫ ગીગાવોટ અક્ષય ઉર્જા ક્ષમતા હાંસલ કરવાનું છે. કતર પણ પોતાની અર્થવ્યવસ્થાને તેલ અને ગેસના નિર્ભરતાથી દૂર કરી ‘ગ્રીન એનર્જી’ તરફ વાળવા માંગે છે. આ દિશામાં બંને પક્ષો ગ્રીન હાઇડ્રોજન અને સોલર પ્રોજેક્ટ્સ પર સાથે મળીને કામ કરી શકે છે.
અદાણી ગ્રુપ આગામી ૧૦ વર્ષમાં આ ક્ષેત્રમાં $૫૦ બિલિયનથી વધુના રોકાણનું આયોજન કરી રહ્યું છે. આ પ્રભાવશાળી વૃદ્ધિને કારણે જ વૈશ્વિક રોકાણકારો અદાણીના પ્રોજેક્ટ્સમાં હિસ્સો લેવા માટે ઉત્સુક જણાય છે.
આ હાઇ-પ્રોફાઇલ મુલાકાત માત્ર રોકાણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે અદાણી ગ્રુપની વૈશ્વિક સ્વીકાર્યતા દર્શાવે છે. હિંડનબર્ગ રિપોર્ટ બાદ જે રીતે અદાણી ગ્રુપે ફરીથી કતર જેવા મોટા સોવરિન વેલ્થ ફંડ્સનો વિશ્વાસ જીત્યો છે, તે કંપનીની મજબૂત રિકવરી અને ફંડામેન્ટલ્સ સાબિત કરે છે.

