Mumbai,તા.05
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને ફિલ્મ નિર્માતા અમિત જાની વચ્ચે ‘કાલા હિરણ’ ફિલ્મ અંગે ચાલી રહેલો વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે. આ વિવાદમાં હવે સલમાન ખાનની પૂર્વ ગર્લફ્રેન્ડ સોમી અલીની એન્ટ્રી થઈ છે. સોમી અલીએ સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ ફિલ્મ નિર્માતા અમિત જાનીને પોતાનું સમર્થન જાહેર કર્યું છે, જેના કારણે આ વિવાદે નવો વળાંક લીધો છે. સલમાન ખાનનું નામ કાલા હિરણના શિકારના કેસમાં આવ્યું હતું એના પરથી ફિલ્મ બનાવવાની જાહેરાત થઈ હતી.
સોમી અલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને અમિત જાનીના એ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે, જેમાં તેઓ સલમાન ખાનની લીગલ ટીમ દ્વારા મોકલવામાં આવેલી નોટિસને ફાડતા જોવા મળી રહ્યા છે. સોમીએ અમિત જાનીને સપોર્ટ કરતા લખ્યું: “જે લોકો દોષી હોય છે, તેઓ જ છુપાતા ફરે છે અને ધમકીઓ આપે છે. તમને સંપૂર્ણ અધિકાર છે, તમે આ ફિલ્મ બનાવો.”
આ પહેલાં ફિલ્મ નિર્માતા અમિત જાનીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે તેઓ સલમાન ખાનની કાનૂની ટીમની નોટિસનો કોઈ જવાબ આપવાના નથી. તેમણે કેમેરાની સામે જ એ નોટિસના ટુકડે-ટુકડા કરી નાખ્યા હતા.
અમિત જાનીએ આક્ષેપ કર્યો છે કે આ ફિલ્મની જાહેરાત બાદથી જ તેમને સતત ધમકીઓ મળી રહી છે અને અંડરવર્લ્ડના નામે પણ ડરાવવાનો અને ફિલ્મ રોકવા માટે દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈના દબાણમાં આવ્યા વગર પોતાની આ ફિલ્મનું નિર્માણ કાર્ય ચાલુ જ રાખશે.ફિલ્મ નિર્માતા અમિત જાની દ્વારા કાનૂની નોટિસ ફાડી નાખવા અને તેમને મળી રહેલી ધમકીઓના દાવા અંગે સલમાન ખાન અથવા તેમની કાનૂની ટીમ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે પ્રતિક્રિયા સામે આવી નથી. હવે જોવાનું એ રહેશે કે સોમી અલીના આ નિવેદન બાદ આ કાનૂની લડાઈ કયું નવું સ્વરૂપ લે છે.

