Mumbai,તા.02
દિલ્હી હાઈકોર્ટે ઉદ્યોગપતિ સંજય કપૂરના સંપત્તિ વિવાદમાં મોટો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સંજય કપૂરની સંપત્તિને સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો છે. કરિશ્મા કપૂરના બાળકો સમાયરા અને કિયાનને આ નિર્ણયથી મોટી રાહત મળી છે, જ્યારે સંજય કપૂરની વર્તમાન પત્ની પ્રિયા કપૂર માટે આ મોટો ઝટકો છે. કોર્ટે જણાવ્યું છે કે વસિયતનામું (વીલ)ને લઈને બાળકોની શંકાઓને દૂર કરવાની જવાબદારી પ્રિયા કપૂરની છે. બાળકોએ વસિયતનામું શંકાસ્પદ હોવા અંગેનો પ્રથમ દૃષ્ટિએ કેસ રજૂ કર્યો છે. દિલ્હી હાઈકોર્ટે કરિશ્માના બાળકોની અરજી પર વચગાળાનો મનાઈહુકમ મંજૂર કર્યો છે.
આ ચુકાદા સાથે દિલ્હી હાઈકોર્ટે બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરના બે બાળકોની વચગાળાની રોકની અરજીને મંજૂરી આપી દીધી છે. તેમની સાવકી માતા પ્રિયા કપૂરને સંજય કપૂર દ્વારા છોડવામાં આવેલી સંપત્તિનો નિકાલ કરતા અટકાવી દીધા છે. જસ્ટિસ જ્યોતિ સિંહે કહ્યું કે સંપત્તિ ખતમ ન થવી જોઈએ અને તેને સાચવી રાખવાની જરૂર છે. દિલ્હી હાઈકોર્ટે બેંક ખાતાઓના સંચાલન પર રોક લગાવી છે અને સંજય કપૂરના બેંક ખાતાઓ ફ્રીઝ કર્યા છે. દિલ્હી હાઈકોર્ટનું કહેવું છે કે જો ટ્રાયલ સ્ટેજ પર વસિયતનામું નકલી સાબિત થાય છે, તો તે સમાયરા અને કિયાન સાથે અન્યાય થશે.

