Mumbai,તા.01
IPL 2026માં સોમવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થયો હતો. બધાની નજર યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી પર તો હતી જ, પરંતુ તેની સાથે-સાથે સંજુ સેમસન અને રવિન્દ્ર જાડેજા કેવું પ્રદર્શન કરશે તે અંગે પણ વધુ રુચિ હતી. રાજસ્થાન રોયલ્સે CSK ને એકતરફી અંદાજમાં હરાવી દીધું હતું. પહેલી વાર પીળી જર્સીમાં રમી રહેલ સંજુ ફ્લોપ રહ્યો, પરંતુ જાડેજા ગુલાબી જર્સીમાં પણ હિટ રહ્યો. હવે એક અખબારે પોતાને રિપોર્ટમાં પોતાના ઈમ્પેક્ટ લેજર મોડેલ દ્વારા સમજાવ્યું કે, સંજુના ફ્લોપ થવાથી આ મેચમાં CSKને 1.81 કરોડનું ‘કાલ્પનિક નુકસાન’ થયું છે, જ્યારે જાડેજાની ઈમ્પેક્ટના કારણે રાજસ્થાન રોયલ્સને 77 લાખ રૂપિયાનો ફાયદો થયો છે. આનો અર્થ એ થયો કે CSKને આ એક જ મેચથી આ બંને ખેલાડીઓના કારણે 1.81 કરોડ + 0.77 કરોડ એટલે કે, 2.58 કરોડનું નુકસાન થયું છે.
આ સીઝન પહેલા સંજુ રાજસ્થાન રોયલ્સનો અને જાડેજા ચેન્નાઈ સુપર કિંગ્સના પર્યાય તરીકે જાણીતા હતા. આ વખતે સંજુ CSKમાં છે અને જાડેજા RRમાં છે. બંને ફ્રેન્ચાઈઝીઓએ ટ્રેડિંગ દ્વારા આ દિગ્ગજોની અદલાબદલી કરી હતી. આઈપીએલમાં ટ્રેડિંગ એટલે કે ખેલાડીઓની અદલાબદલી ફક્ત કાગળ પર જ નહીં પરંતુ દરેક મેદાન પર દરેક બોલ અને રન સાથે પોતાની અસર દેખાડે છે. ગત વર્ષે નવેમ્બરમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એક હાઈ-પ્રોફાઈલ ટ્રેડિંગ ડીલ થઈ હતી. ધાકડ બેટ્સમેન સંજુ સેમસન 18 કરોડ રૂપિયામાં CSKમાં ગયો હતો, જ્યારે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 14 કરોડ રૂપિયાની સુધારેલી ફી સાથે રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયો હતો.
IPL 2026માં 30 માર્ચે જ્યારે બંને ખેલાડીઓનો ગુવાહાટીના મેદાનમાં સામનો થયો ત્યારે સ્કોરકાર્ડ કરતાં પણ ઊંડી અસર તેના ‘ઈમ્પેક્ટ લેજર’ એટલે કે મેચની હાર-જીત પર તેમના પ્રદર્શનની અસર પર પડી. ફ્રેન્ચાઈઝીઓ ખેલાડી પર કરોડો રૂપિયા ખર્ચ કરે છે તો એટલા માટે નહીં કે તે ખેલાડી તેમના માટે રન બનાવશે અથવા વિકેટ લેશે, પરંતુ એટલા માટે પાણીની જેમ પૈસા ખર્ચે છે કે ખેલાડી જરૂર પડ્યે પોતાના દમ પર મેચનું પરિણામ પલટી શકે છે.

