Mumbai, તા.3
અમેરિકા-ઇરાન યુધ્ધમાં સીઝફાયર વચ્ચે પણ છમકલા જેવા હુમલાનો સિલસિલો જારી રહેવાથી નાણાં બજારોમાં ફરી ઉથલપાથલ સર્જાઇ હતી. શેરબજાર, રૂપિયો તથા સોના-ચાંદી ગગડ્યા હતા જ્યારે ક્રૂડતેલ સળગ્યું હતું.
શેરબજારમાં આજે શરૂઆત જ મંદીના ટોને થઇ હતી. અમેરિકા-ઇરાન વચ્ચે ફરી સામસામા હુમલા થતાં ગભરાટ સર્જાયો હતો. આક્રમક વેચવાલીના દબાણ હેઠળ મોટાભાગના શેરો તૂટ્યા હતા.
વિદેશી નાણાં સંસ્થાઓની વેચવાલીનો ખચકાટ હતો. મોંઘવારીના પડકાર વચ્ચે રીઝર્વ બેંકની ધિરાણનીતિ પર નજર રાખવામાં આવતી હતી. લાર્જકેપ-મીડ-સ્મોલ કેપ શેરો ગગડ્યા હતા.
મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 788 પોઇન્ટના કડાકાથી 73861 હતો તે ઉંચામાં 74507 તથા નીચામાં 73719 થયો હતો. નિફટી 217 પોઇન્ટ ગગડીને 23266 હતો તે ઉંચામાં 23447 તથા નીચામાં 23225 થયો હતો.
કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો પણ ગગડ્યો હતો. પ્રારંભિક કામકાજમાં જ ધોવાણ થયું હતું અને 47 પૈસા ગગડીને 95.74 હતો. સોના-ચાંદીમાં પણ મંદીનો આંચકો હતો. વિશ્વ બજારમાં સોનુ તૂટીને 4470 ડોલર હતો.
ભારતીય વાયદામાં 900 રૂપિયા ઘટીને 154624 હતું. ચાંદી વાયદો 1150 ઘટીને 265555 હતી. બીજી તરફ ક્રૂડતેલ ફરી ઉછળ્યું હતું. ડબલ્યુટીઆઇ ક્રૂડ 94.99 ડોલર તથા બ્રેન્ટ ક્રૂડ 97.16 ડોલરના સ્તરે પહોંચી ગયું હતું.

