(મિલાપ રૂપારેલ) Amreli, તા.27
રામનવમીના પાવન અવસર પર અમરેલી શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષા ટીમ સહિતના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં ધાર્મિક ઉત્સાહ અને ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો.
ગઈકાલે સાંજે 4:30 કલાકે અમરેલીના સિનિયર સિટિઝન પાર્ક ખાતેથી શ્રી રામ પ્રાગટ્ય પાવન યાત્રાનું ધામધૂમથી પ્રસ્થાન થયું હતું. યાત્રામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા, જેમાં યુવાનો, મહિલાઓ તથા વડીલોનો ઉત્સાહ ખાસ જોવા મળ્યો હતો.
યાત્રા શહેરના મુખ્ય માર્ગો જેમ કે હરિરામબાપા સર્કલ, શ્રી નાગનાથ મંદિર, જિલ્લા પંચાયત રોડ, એસ.ટી. ડેપો, કેરિયા રોડ, લક્ષ્મીનારાયણ મંદિર, ભીડભંજન ચોક, ડો. જીવરાજ મહેતા ચોક, ટાવર ચોક, હવેલી ચોક અને લાયબ્રેરી ચોક માર્ગે ભવ્ય રીતે ફરી સરકારવાડા સ્થિત શ્રી રામજી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી.
યાત્રા દરમિયાન જય શ્રી રામ તથા રામ, લક્ષ્મણ, જાનકી જય બોલો હનુમાનજી જેવા જયઘોષોથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું. યાત્રામાં બાઈક રેલી અને ફોરવ્હીલ વાહનોનો પણ વિશાળ કાફલો જોડાયો હતો, જેના કારણે શહેરમાં અનોખું ધાર્મિક દ્રશ્ય સર્જાયું હતું.શ્રી રામજી મંદિર ખાતે યાત્રાની પૂર્ણાહુતિ બાદ ભગવાન શ્રી રામનું ભવ્ય પૂજન તથા દિવ્ય આરતી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શ્રદ્ધાળુઓમાં અદભુત ભક્તિભાવ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ રીતે અમરેલી શહેરમાં રામ નવમીની ઉજવણી ભવ્ય અને યાદગાર બની રહી હતી, જેમાં શહેરભરના લોકો એકત્રિત થઈને ધાર્મિક એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

