Colombo,તા.૧૧
ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન રુતુરાજ ગાયકવાડ હાલમાં ભારત ’એ’ ટીમ સાથે શ્રીલંકાના પ્રવાસે છે. તે યજમાન શ્રીલંકા અને અફઘાનિસ્તાન સામે ચાલી રહેલી ત્રિકોણીય શ્રેણીમાં રમી રહ્યો છે. ગાયકવાડ શ્રેણીની શરૂઆતથી જ શાનદાર ફોર્મમાં છે. તેણે શ્રીલંકા સામેની શરૂઆતની મેચમાં સદી ફટકારી હતી અને ત્યારબાદ આજે અફઘાનિસ્તાન સામે ૬૬ રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગ સાથે તે લિસ્ટ છ ક્રિકેટમાં ઓછામાં ઓછા ૫,૦૦૦ રન બનાવનારા બેટ્સમેનોમાં શ્રેષ્ઠ સરેરાશનો વિરાટ કોહલીનો વિશ્વ રેકોર્ડ તોડવામાં સફળ રહ્યો.
આ ૬૬ રન સાથે રુતુરાજ ગાયકવાડ લિસ્ટ એ ક્રિકેટમાં ૫,૨૨૭ રન પર પહોંચી ગયો છે, જે ૫૯.૩૯ની સરેરાશથી બનાવ્યા છે, જે વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ છે. આ દરમિયાન વિરાટ કોહલી બીજા સ્થાને સરકી ગયો છે. કોહલીએ ૫૭.૯૧ની સરેરાશથી ૧૬,૪૪૭ રન બનાવ્યા છે. આ યાદીમાં માઈકલ બેવન, ચેતેશ્વર પૂજારા અને એબી ડી વિલિયર્સ જેવા ખેલાડીઓ પણ છે.
લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી વધુ સરેરાશ (ઓછામાં ઓછા ૫૦૦૦ રન)
૫૯.૩૯ – રુતુરાજ ગાયકવાડ (૫,૨૨૭ રન)*
૫૭.૯૧ – વિરાટ કોહલી (૧૬,૪૪૭ રન)
૫૭.૫૬ – માઈકલ બેવન (૧૫,૧૦૩ રન)
૫૭.૦૧ – ચેતેશ્વર પૂજારા (૫,૭૫૯ રન)
૫૩.૫૨ – ખુર્રમ મંજૂર (૭,૯૨૨ રન)
અફઘાનિસ્તાન એ એ ટોસ જીતીને ભારત એ સામે પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો. મેચ પહેલા વરસાદને કારણે તેઓએ આ નિર્ણય લીધો. જોકે, વરસાદની અસર વૈભવ સૂર્યવંશી અને પ્રભસિમરન પર પડી નહોતી. વૈભવે ૨૧ બોલમાં ૪૪ રન બનાવ્યા, જ્યારે પ્રભસિમરને ૬૯ બોલમાં ૮૪ રનની ઇનિંગ રમી. ત્યારબાદ રુતુરાજ ગાયકવાડે ૬૬ રન બનાવીને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું. ટીમ ઇન્ડિયાએ અફઘાનિસ્તાનને ૩૫૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો.

