વીડિયો માટે તેને સોશિયલ મીડિયા પર ભારે ટીકા અને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો
Mumbai, તા.૪
માર્ચ મહિનામાં વિકી કૌશલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે એક લગ્ન સમારંભ દરમિયાન પત્ની વિશે મજાક કરતો જોવા મળતો હતો. આ વીડિયો માટે તેને સોશિયલ મીડિયા પર ભારે ટીકા અને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. હવે એક ઇન્ટરવ્યુમાં વિકીએ આ સમગ્ર વિવાદ પર પોતાનો પક્ષ રજૂ કર્યો છે. લોકો તેને કેવી રીતે જુએ છે તેના પર પોતાનો કોઈ કાબૂ નથી એવું સમજાવતા વિકીએ કહ્યું,“માત્ર એટલા માટે કે તમે એક જાણીતા વ્યક્તિ છો, તેનો અર્થ એ નથી કે તમે હંમેશા સર્વગુણ સંપન્ન જ હોવા જોઈએ. ક્યારેક અમારી ટીકા પણ યોગ્યથવી જોઈએ. કદાચ મારા માટે તેમાં શીખવાની વાત એ છે કે લોકો જેટલો પ્રેમ આપે છે, તેની સાથે એક પ્રકારની જવાબદારી પણ આવે છે.”તેણે આગળ ઉમેર્યું, “એવો કોઈ એક્ટર નથી જેને પ્રસિદ્ધિ મળી હોય અને આ લોકપ્રિયતાની નકારાત્મક બાજુનો સામનો ન કરવો પડ્યો હોય. મેં મારી ઇચ્છાથી આ ક્ષેત્ર પસંદ કર્યું છે અને બ્રહ્માંડ પણ તેનો પ્રતિસાદ આપી રહ્યું છે. હવે આ પ્રસિદ્ધિને હું કેવી રીતે સંભાળું તે મારા પર નિર્ભર છે અને જો ટીકા રચનાત્મક હોય, તો તેમાંથી શીખી શકાય છે.”માર્ચમાં વાયરલ થયેલા વીડિયોમાં વિકી એક વરરાજાના પિતાને કહેતો જોવા મળ્યો હતો કે તેઓ તેમના પુત્રને “હઉઝ ધ જોશ?” બોલવા કહે. જ્યારે ઉપસ્થિત લોકોએ જવાબમાં “હાઇ સર!” કહ્યું, ત્યારે વિક્કીએ મજાકમાં કહ્યું, “મેં જોયું છે કે કુંવારા લોકોનો જોશ હંમેશા હાઇ રહે છે. અમે જે પરિણીત છીએ, એમનો જોશ તો વર્ષ દર વર્ષે ઘટતો જાય છે. પણ ચિંતા કરવાની જરૂર નથી, ખાલી ચાર દિવસમાં તો એમ જોશ ઓછો નહીં થાય.” આ વીડિયો માટે સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ તેની ટીકા કરી હતી. કેટલાક લોકોએ આ પ્રકારની મજાકને સ્ત્રીવિરોધી ગણાવી હતી. કેટલાક યુઝર્સે તો વિકીને ‘રેડ ફ્લેગ’ પણ ગણાવ્યો હતો. જો વિકીની ફિલ્મોની વાત કરીએ તો, તે હવે સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત લવ એન્ડ વૉરમાં જોવા મળશે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ આ વર્ષે રિલીઝ થવાની હતી, પરંતુ હાલમાં તેનું નિર્માણ કાર્ય ચાલુ હોવાથી હવે તે જાન્યુઆરી ૨૦૨૭માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

