Surendranagar,તા.3
ભારતના ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ મતદારયાદી ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમ-2026 અંતર્ગત તા.11/12/2025ના રોજ પ્રસિદ્ધ થયેલા સુધારા કાર્યક્રમ અનુસાર મતદારો આગામી તા.18/01/2026 સુધીના સમયગાળા દરમિયાન પોતાના હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકશે.
આ સમયગાળામાં નવા નામ ઉમેરવા માટે ફોર્મ નં. 6, નામ કમી કરાવવા માટે ફોર્મ નં. 7 અને મતદારયાદીની વિગતોમાં સુધારો કરવા માટે ફોર્મ નં. 8 ભરી શકાશે. આ ઉપરાંત, “No Mapping” કે “Logical Discrepancies” (તાર્કિક વિસંગતતા) ધરાવતા મતદારો પણ આ સમય દરમિયાન પોતાના આધાર પુરાવા રજૂ કરી શકશે.
આ કાર્યક્રમને વધુ વેગવંતો બનાવવા માટે આગામી તા.03/01/2026 (શનિવાર) અને તા. 04/01/2026 (રવિવાર) ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના તમામ મતદાન મથકો પર ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
આ બંને દિવસો દરમિયાન સવારે 10ઃ00 થી સાંજના 5ઃ00 વાગ્યા સુધી તમામ બુધ લેવલ ઓફિસર – BLO પોતાના નિર્ધારિત મતદાન મથક પર હાજર રહેશે. નાગરિકો રૂબરૂ જઈને ફોર્મ નં. 6, 7 અને 8 ભરી શકશે તેમજ નો મેપિંગ અને વિસંગતતા ધરાવતા મતદારો પોતાના આધાર પુરાવા રજૂ કરી શકશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદારોને આ વિશેષ ઝુંબેશનો લાભ લેવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
મતદારોની સુવિધા માટે ચૂંટણી આયોગ દ્વારા ઓનલાઇન પોર્ટલ પણ કાર્યરત કરવામાં આવ્યા છે. મુસદ્દા મતદારયાદીમાં પોતાનું નામ શોધવા માટે નાગરિકો https://electoralsearch.eci.gov.in વેબસાઈટનો ઉપયોગ કરી શકે છે. તે જ રીતે, ASD યાદીમાં નામની ચકાસણી માટે https://chunavsetu-search.gujarat.gov.in/ADS/SearchADSEPIC.aspx સાઈટ ઉપલબ્ધ છે.
મતદારયાદીને લગતા કોઈપણ પ્રશ્નો અથવા વધુ જાણકારી માટે મતદારો પોતાના વિસ્તારના BLO નો સંપર્ક કરી શકે છે, જેના માટે https://voters.eci.gov.in પર “Book a Call with BLO” સુવિધા પૂરી પાડવામાં આવી છે.

