New Delhi,તા,22
ભારતનાં નેશનલ હાઇવે અને એક્સપ્રેસ-વેની રફતાર હવે હવામાનના મિજાજ પ્રમાણે બદલાશે. દેશમાં પહેલીવાર વરસાદ, ધૂળભરી આંધી-તોફાન, ધુમ્મસ અથવા ખરાબ હવામાન હોવા પર એક્સપ્રેસ-વે પર સ્પીડ 60-80 કિમી પ્રતિ કલાક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જો કે, સાફ હવામાનમાં કારોની ગતિ મહત્તમ 100 અને એક્સપ્રેસ-વે પર 120 કિમી પ્રતિ કલાકની રફતાર રહેશે. ખરાબ હવામાનમાં સ્પીડ લિમિટનું પાલન ન કરવા પર ઈ-ચલાન સીધું મેઈલ પર આવશે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય આ ચોમાસામાં પસંદગીનાં નેશનલ હાઇવે અને એક્સપ્રેસ-વે પર ડાયનામિક સ્પીડ લિમિટ લાગું કરવા જઈ રહ્યું છે.
આ ટેકનિકમાં હાઇવે પર જગ્યાએ-જગ્યાએ અત્યાધુનિક વિઝિબિલિટી સેન્સર અને વેધર સ્ટેશન લગાવવામાં આવ્યાં છે. હવામાન જાણીને સેન્સર તરત જ NHAI ના મુખ્ય ટ્રાફિક મેનેજમેન્ટ સેન્ટર (કંટ્રોલ રૂમ) ને મોકલી દે છે.
અહીંથી રીયલ-ટાઇમમાં હાઇવે પર ચાલી રહેલી કારોની સ્ક્રીન, રોડ પર લાગેલાં મોટા ડિજિટલ બોર્ડ અને ડ્રાઇવરોના મોબાઈલ સુધી એલર્ટ પહોંચાડી દે છે, જેથી વાહન ધીમી ગતિ પર ચાલે. જીઓ-ફેન્સિંગ ટેકનિકથી હાઇવેના પ્રભાવિત વિસ્તારોની આસપાસ એક વર્ચ્યુઅલ બાઉન્ડ્રી બનશે અને વાહનના આ દાયરામાં આવતાં જ સ્થાનિક ટેલિકોમ ટાવરથી ચાલકના મોબાઈલ પર તરત જ એક સુરક્ષા એલર્ટ મેસેજ પહોંચી જશે.
મોબાઈલમાં ઈન્ટરનેટ હોવું જરૂરી નથી
આમાં સેલ બ્રોડકાસ્ટ ટેકનિકનો પણ ઉપયોગ કરવામાં આવશે, આના માટે ફોનમાં ઈન્ટરનેટ હોવું જરૂરી નથી.
અકસ્માતોમાં 70 થી 80 ટકાનો ઘટાડો આવશે
મંત્રાલયનાં અધિકારીઓના જણાવ્યાં મુજબ, આઈઆઈટી નિષ્ણાતો દ્વારા તૈયાર કરાયેલાં સિમ્યુલેશન મોડેલ અનુસાર ડાયનામિક સ્પીડ લિમિટ અને રીયલ-ટાઇમ કાર-સ્ક્રીન એલર્ટ સિસ્ટમ લાગું થયાં પછી, એક્સપ્રેસ-વે પર થતાં અકસ્માતો અને હાઇવે પરથી લપસવાને કારણે થતી દુર્ઘટનાઓમાં 70 થી 80 ટકા સુધીનો ઘટાડો આવશે.
દર વર્ષે 25 હજાર મોતો
સરકારી આંકડા મુજબ, ભારતમાં દર વર્ષે આશરે 1.5 લાખ લોકો રોડ અકસ્માતમાં જીવ ગુમાવે છે, જેમાંથી લગભગ 17 ટકા અકસ્માતો આશરે 25,000 મોતો ફક્ત ખરાબ હવામાન દરમિયાન વિઝિબિલિટી ઓછી થવાને કારણે થાય છે.
વિદેશોમાં સફળ છે આ ટેકનિક
હવામાનના મિઝાજને જોઈને સ્પીડ લિમિટ નક્કી કરવાની આ ટેકનિક વિદેશોમાં, ખાસ કરીને જર્મનીનાં પ્રખ્યાત ઓટોબાન અને યુરોપિયન દેશોના હાઇ-ટેક એક્સપ્રેસ-વે પર ખૂબ જ સફળ રહી છે. ત્યાં ખરાબ હવામાનમાં સ્પીડ ઘટાડીને અકસ્માતોને લગભગ શૂન્યના સ્તર પર લાવી દેવામાં આવ્યાં છે.
મુખ્ય નિયમો
100-120 : કિમી પ્રતિ કલાકની સ્પીડ સામાન્ય હવામાનમાં રહેશે.
60-80 : કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ ખરાબ હવામાન સમયે હશે.
પહેલા આ એક્સપ્રેસ-વે પર શરૂ થશે
એક અધિકારીએ જણાવ્યું કે, પહેલાં તબક્કામાં આ પ્રયોગ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે અને યુપીનાં ગંગા એક્સપ્રેસ-વેના કેટલાક ભાગ પર પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી રહ્યો છે. પરિણામો અને સોફ્ટવેરને સુધાર્યા પછી આવતાં વર્ષનાં મધ્ય સુધીમાં આ દેશનાં તમામ પ્રમુખ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે અને અકસ્માતોની દ્રષ્ટિએ સંવેદનશીલ બ્લેક-સ્પોટવાળા નેશનલ હાઇવે પર લાગું થશે.

