ફોટો ફ્રેમના ભાવતાલ મામલે રકઝક થતાં ચાલતી યુવકને રહેસી નખાયો : અન્ય સ્ટોલધારકને પણ છરીનો ઘા ઝીંકી દેવાયો
મેળામાં ખૂનને અંજામ આપનાર મુખ્ય આરોપી સહીત પાંચ શખ્સોની ધરપકડ : બે સગીર સહીત વધુ ચારને સકંજામાં લેવા તજવીજ
Gondal
ગોંડલના આઇકોનિક મેળામાં ખૂની ખેલ ખેલાતા નાશભાગ મચી હતી. વછેરાનાં વાડા માં ચાલી રહેલા આઇકોનિક મેળામાં સ્ટોલ ધરાવી ફોટોફ્રેમ અને ભગવાનની છબી વેંચી પેટીયું રળતા પરપ્રાંતીય યુવાન પર વોરાકોટડા રોડ પર રહેતા રાહુલ ડોડીયા નામનાં શખ્સ સહીતની ટોળકીએ અન્ય ચાર શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. ફોટોફ્રેમના ભાવની રકઝકમાં યુવાનને છાતીના ભાગે છરીનો ઘા ઝીંકી દેવાતા યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. હત્યાને અંજામ આપી મેળામાંથી નાસી રહેલા મુખ્ય આરોપીને પીઆઈ અને પીએસઆઈએ તાત્કાલિક દબોચી લીધો હતો. હત્યાના ગુનામાં મદદગારી કરનાર અન્ય ચાર શખ્સોની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. જયારે અન્ય બે સગીર સહીત ચાર આરોપીઓને સકંજામાં લેવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.
હત્યાની ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશમાં પન્ના જિલ્લાના સુડોર ગામનો વતની 25 વર્ષીય યુવાન રમાશંકર ઉર્ફે દિપક કમલપ્રસાદ બર્મન ગોંડલના આઇકોનિક મેળામાં સ્ટોલ ધરાવી ફોટોફ્રેમનો વેપાર કરી રહ્યો હતો. દરમ્યાન ગત રાત્રીનાં અગીયાર વાગ્યાં આસપાસ વોરાકોટડા રોડ પર રહેતો રાહુલ રાજુભાઇ ડોડીયા સહીતની ટોળકી સ્ટોલ પર છબી ખરીદવા પહોંચી ખરીદી હતી. ફોટોફ્રેમના ભાવ બાબતે સ્ટોલધારક યુવાન અને રાહુલ ડોડીયાને બોલાચાલી થઇ હતી. દરમિયાન ઉશ્કેરાયેલા રાહુલે પોતાના નેફામાંથી છરી કાઢી રમાશંકરને છાતીના ભાગે એક ઘા ઝીંકી દીધો હતો. જેથી યુવાન લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. બાજુમાં અન્ય સ્ટોલ ધરાવી વેપાર કરતો યુવાન વિશાલ નરેન્દ્ર શર્મા (રહે. પ્રયાગરાજ, યુપી) હુમલાની ઘટનામાં વચ્ચે પડતા તેને પણ પડખાના ભાગે છરીનો એક ઘા ઝીંકી દેવાયો હતો.
ખૂની હુમલાને અંજામ આપી આરોપીઓની ટોળકી મેળામાંથી નાસી રહી હતી દરમિયાન બંદોબસ્તમાં હાજર ગોંડલ સીટી પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ જી એસ ગઢવી અને પીએસઆઈ સુરાણીએ આરોપીઓ પાછળ દોટ મૂકી હતી. પોલીસે મુખ્ય આરોપી રાહુલ રાજુ ડોડીયા, સમીર અકબર સુમરા, અલ્ફાઝ રફીક શેખ, નવાજ ઈરફાન દોઢીયા અને અસફાખ મજીદ જૂણેજા (તમામ રહે. વોરા કોટડા રોડ, ગોંડલ)ની ધરપકડ કરી લેવામાં આવી હતી.
બીજી બાજુ રમાશંકરને છાતીનાં ભાગે છરીનો ઉંડો ઘા લાગ્યો હોય તે ઢળી પડ્યો હતો. દરમિયાન મેળામાં ફરી રહેલા શિવમ સાર્વજનિક ટ્રસ્ટનાં જયભાઈ માધડને બનાવની જાણ થતા તેમણે સમય ગુમાવ્યા વગર લોહીલુહાણ રમાશંકરને પોતાનાં એકટીવામાં વચ્ચે બેસાડી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. જો કે, સારવાર મળે તે પૂર્વે જ એમપીના યુવાને દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાઈ ગયો હતો.
બનાવની ગંભીરતાને ધ્યાને રાખી જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જર, ડીવાયએસપી કે જી ઝાલા સહિતના અધિકારીઓ દોડી ગયા હતા. બનાવ મામલે ગોંડલ સીટી પોલીસે પાંચ શખ્સોની ધરપકડ કરી હત્યાની કલમો હેઠળ ગુનો નોંધવા તજવીજ આદરી છે. જયારે ગુનામાં શામેલ બે સગીર સહીત અન્ય ચાર શખ્સોને સકંજામાં લેવા તજવીજ આદરવામાં આવી હતી.

