Uttar Pradesh તા.19
વારાણસીથી મેરઠ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર ગુરુવારે બપોરે પથરાવની ઘટના બની. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવત પણ સવાર હતા. આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થામાં દોડધામ સર્જી હતી. પરંતુ સદ્ભાગ્યે કોઈ મુસાફરને ઈજા ન પહોંચી.
ટ્રેન હરદોઈ જિલ્લાના કૌડા ગામ નજીક ચાંદમારી અને કૌઢા સ્ટેશન વચ્ચે બપોરે આશરે 3ઃ20 વાગ્યે પસાર થઈ રહી હતી ત્યારે પથરાવ થયો. પથ્થર ટ્રેનના કોચ સી-4 (સીટ નંબર 60-61)ની એક બારી સાથે અથડાયો, જ્યાં શ્રી મોહન ભાગવત બેઠા હતા. આથી બારીનો કાચ તૂટી ગયો હતો. જોકે, ટ્રેનના અન્ય ભાગને કોઈ મોટું નુકસાન થયું નહીં અને કોઈ વ્યક્તિ ઘાયલ થઈ નહીં.
પ્રાથમિક તપાસમાં પોલીસને ખબર પડી કે રેલવે ટ્રેકની બાજુમાં કંજર બસ્તી પાસે 8થી 13 વર્ષના કેટલાક બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા. શરારત કે ભૂલથી ફેંકાયેલો પથ્થર ટ્રેનની બારીને અથડાયો હોવાનું માનવામાં આવે છે.રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ), જીઆરપી અને સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે. અજ્ઞાત વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.એસએસપી અશોક કુમાર મીણાએ જણાવ્યું કે, તપાસમાં બાળકોની સંડોવણી સામે આવી છે. આ જાણીજોઈને હુમલો નથી, પરંતુ શરારતથી થયેલી ઘટના લાગે છે.

