(૧૩) શ્રવણકુમારના માતા-પિતાએ રાજા દશરથને શ્રાપ આપ્યો હતો..
હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે,પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર થાય છે.
આપણાં કર્મોથી જ આપણું ભાગ્ય બને છે.જો આપણે સારા કર્મ કરીશું તો ભાગ્ય સારૂં રહેશે અને જો આપણાંથી કોઈ ભૂલ થઈ ગઈ છે તો ભવિષ્યમાં તેના કારણે આપણે દુઃખનો સામનો કરવો પડી શકે છે.
શ્રવણકુમાર રામાયણનું એક મહત્વપૂર્ણ પાત્ર છે.જેના વિશે વાલ્મીકિ રામાયણ અયોધ્યા કાંડના ૬૪ મા અધ્યાયમાં વાર્તા જોવા મળે છે.શ્રવણ પોતાના વૃ્દ્ધ અને અંધ પિતા-માતા કે જેમના નામ શાંતવન અને જ્ઞાનવંતી હતા.ઘરડાં થયા બાદ તેમને આત્માની શુદ્ધિ માટે ચારધામોની યાત્રા કરવાની ઇચ્છા થઇ અને આ વિશે તેમણે શ્રવણને કહ્યું.તે સમયે આવી યાત્રા ખર્ચાળ અને મુશ્કેલ હતી અને શ્રવણને પરવડે તેમ હતું નહી આથી શ્રવણે ટોપલીઓ અને વાંસ વડે કાવડ બનાવી માતા-પિતાને તેમાં બેસાડી યાત્રા શરૂ કરી હતી.એકવાર રાજા દશરથ શિકાર કરવા માટે વનમાં જાય છે ત્યારે ભૂલથી તેમને એક માતૃ-પિતૃભક્ત શ્રવણકુમારનો વધ કર્યો હતો.શ્રવણકુમારના આંધળા માતા-પિતાને જ્યારે પોતાના પૂત્ર શ્રવણના મૃત્યુના સમાચાર મળે છે ત્યારે તેઓ રાજા દશરથને શ્રાપ આપ્યો હતો કે જેવી રીતે અમે પૂત્ર વિયોગમાં અમારા પ્રાણનો ત્યાગ કરીએ છીએ તેવી જ રીતે તમારૂં મૃત્યુ પણ પૂત્રના વિયોગમાં થશે.
દશરથ રાજા પોતાના જીવનના અંતિમ સમયે યુવાવસ્થામાં પોતે કરેલું પાપકર્મ યાદ આવવાથી ઘણા જ દુઃખી થાય છે.રાજા દશરથ કૌશલ્યાજીને કહે છે કે મારા અંતરના શોકને હું કોઇ ઉપાયે દૂર કરી શકતો નથી.જે પુરૂષ શુભ કે અશુભ જેવા કર્મો કરે છે તે તેના તેવાં ફળને અવશ્ય પામે છે. હે કૌશલ્યા ! જ્યારે હું યુવાન અવસ્થામાં હતો ત્યારે ધનુષ્યવિદ્યા પ્રાપ્ત કરી હતી. શબ્દવેધી બાણ ચલાવવામાં હું જગતમાં પ્રખ્યાત થયો હતો.યુવાવસ્થામાં મારાથી એક મહાન પાપ થયું હતું. કોઇ અજાણે વિષ ખાઇ લે તો તેનું મરણ થયા વિના રહેતું નથી તેમ મને પણ અજાણતાં કરેલ પાપકર્મનું ફળ આજે પ્રાપ્ત થયું છે. વર્ષાઋતુના દિવસોમાં સરયૂ નદીના ઉપવનોમાં મૃગયા કરવા ફરતો હતો અને સરયૂ નદીમાં પાણી પીવા આવતા જંગલી પશુઓનો શિકાર કરતો હતો.
એક દિવસે સાંજના સમયે એક વૃક્ષની પાછળ છુપાઇને બેઠો હતો એવામાં મારાથી કેટલેક દૂર આંખથી ના દેખાય એવા સ્થાનમાં જળથી ભરાતા ઘડાનો શબ્દ મેં સાંભળ્યો,તે શબ્દ પાણી પીતા હાથીના જેવો લાગ્યો.કોઇ હાથી પાણી પીવા આવ્યો હશે તેમ માનીને શબ્દવેધી બાણ માર્યું.બાણ વાગતાં જ કોઇ મનુષ્યનો અરરરર..હે હરિ ! એવો ભય અને દયાજનક શબ્દ મારા કાને પડ્યો,એકાએક હું સ્તબ્ધ થઇ ગયો, મારા હ્રદયમાં ફાળ પડી,તે મનુષ્ય નદીના જળમાં પડ્યો હોય તેવો અવાજ મે ફરી સાંભળ્યો અને મારા મનમાં ધ્રાસકો પડ્યો.નજીક જઇને જોયું તો મારા હાથે કોઇ મનુષ્યનો વધ થઇ ગયો હતો.તેને મરતાં પહેલાં કહ્યું કે હું મારા વૃદ્ધ આંધળા માતા-પિતાને યાત્રા કરાવવા કાવડમાં લઇને નીકળ્યો છું.હું તેમના માટે જળ લેવા માટે આવ્યો હતો.મેં આપનો શું અપરાધ કર્યો છે કે મને એક પશુની જેમ મારો વધ કર્યો છે? મેં તે ઋષિકુમારની માફી માંગી.ઋષિકુમારે કહ્યું કે મારા વૃદ્ધ માતા-પિતા મારા મૃત્યુના સમાચાર જાણીને જીવતા નહી રહે કેમકે હું તેમનો એકમાત્ર સહારો છું.તેઓ ક્રોધના આવેશમાં આવી તમોને શ્રાપ આપે તે પહેલાં તેમને જઇને સમગ્ર વૃતાંત કહેજો.મેં તેના શરીરમાંથી બાણ કાઢ્યું તેવો જ તે નારાયણ..નારાયણ.. નો જાપ કરતાં પોતાના પવિત્ર આત્માને દેહથી મુક્ત કીધો.
શ્રવણકુમારના મૃત્યુ પછી અજ્ઞાનથી એ મહાત્માના વધ જેવું મહાપાપ કરીને મારી ઇન્દ્રિયોમાં મોટો ક્ષોભ થયો,એ મુનિપૂત્રના માતા-પિતાને તેના મરણના સમાચાર કહીશ તો કોન જાણે તેઓ મને શું કહેશે? તેઓની કેવી અવસ્થા થશે? પણ તેમણે જાણ કર્યા વિના છુટકો નથી તેમ વિચારી કમંડળમાં જળ ભરી શ્રવણના માતા-પિતા પાસે ગયો.બે દુર્બળ વૃદ્ધ પોતાના પૂત્રની વાતો કરતાં હતાં.મારા પગના અવાજને સાંભળીને આંધળા માતા-પિતા આશાભેર બોલ્યા કે હે પૂત્ર ! તારા આવવામાં વિલંબ કેમ થયો? ત્યારે મેં કહ્યું કે હે મુનિવર ! હું આપનો તપસ્વી પૂત્ર નથી પણ અયોધ્યાનો રાજકુમાર દશરથ છું અને તમોને તથા મને પ્રારબ્ધના લીધે જે કંઇ મહા નિંદિત દુઃખ પ્રાપ્ત થયું છે તે જણાવવા આવ્યો છું.હે ભગવન ! હું ધનુષ્ય લઇ સરયૂતટે જળ પીવા આવતા પ્રાણીઓનો શિકાર કરવા ઉપવનમાં છુપાઇને બેઠો હતો.તેવામાં મેં જળથી ભરાતા કુંભનો શબ્દ સાંભળી આ કોઇ હાથી પાણી પીવે છે એમ માની તેને બાણ માર્યું પણ ત્યાંથી મનુષ્યના જેવી વાણી સાંભળવામાં આવ્યાથી હું કિનારા પાસે ગયો તો ત્યાં મારા બાણથી ઘાયલ એક તપસ્વી મારા જોવામાં આવ્યો.મને જોઇને તે તપસ્વી કુમાર પોતાના વૃદ્ધ આંધળા માતા-પિતાનો શોક કરવા લાગ્યો.તેના શરીરમાં વાગેલ બાણ કાઢતાં જ તે સ્વર્ગે સિધાવ્યો છે.
હે મુનિ ! અજ્ઞાનથી મેં દુષ્ટે તમારી રક્ષા અને સેવા કરનાર તમારા પૂત્રનો વધ કરેલ છે.હવે જે કર્તવ્ય હોય તે તમે મારો અપરાધ ક્ષમા કરીને કહો, હું તમારો પૂત્ર બનીને તમારૂં નિરંતર રક્ષણ કરીશ. પોતાના પૂત્રના મૃત્યુના સમાચાર જાણીને બંન્ને પતિ-પત્નીના પ્રાણ બ્રહ્માંડમાં ચઢી ગયા,મૂર્છિત થઇને પૃથ્વી ઉપર પડ્યાં.આ જોઇને હું ખુબ જ ગભરાઇ ગયો કારણ કે એક હત્યા હું કરી ચુક્યો હતો અને બીજી આ બે હત્યા મારે માથે ચોંટવાનો ભય લાગ્યો. થોડીવાર પછી જ્યારે તેઓ ભાનમાં આવ્યાં ત્યારે અતિશય કલ્પાંત કરતાં કહેવા લાગ્યાં કે હે રાજન ! તે આ કર્મ અજ્ઞાનથી કર્યું છે માટે તૂં જીવે છે,જો તે આ કર્મ જાણી જોઇને કર્યું હોત તો તૂં એકલો નહી તારા આખા રઘુવંશનો વિનાશ થાત.પ્રારબ્ધ અનુસાર જે બન્યું તે ખરૂં, હવે તૂં જલ્દીથી અમારો પૂત્ર જ્યાં મરણ પામીને પડ્યો છે ત્યાં અમોને લઇ જા.મેં તે દંપતિને મારી સાથે દોરીને સરયૂતટે તેમના મૃત પૂત્ર પાસે લઇ જઇને બેસાડ્યા ત્યારે તેઓએ હાથથી સ્પર્શ કરી કરૂણજનક વિલાપ કરવા લાગ્યાં.
અતિદુઃખી થઇને શ્રવણકુમારના પિતાએ દશરથ રાજાને શ્રાપ આપ્યો હતો કે હે રાજકુમાર ! તે અજાણથી મારા પૂત્રનો વધ કર્યો છે તેથી હું તને પ્રત્યક્ષ બાળીને ભસ્મ કરી શકતો નથી પરંતુ અતિ દુઃખરૂપદારૂણ શ્રાપ આપું છું કે જેમ પૂત્રના મરણરૂપ વિયોગના દુઃખથી અમોને મરણ પ્રાપ્ત થાય છે તેવી રીતે તમારૂં પણ પૂત્ર વિયોગના શોક વડે મૃત્યુ થશે.આમ કહી બંન્ને પતિ-પત્નીએ શરીરનો ત્યાગ કરી દીધો.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)