New Delhi તા. 28
રિન્યુએબલ એનર્જી ક્ષેત્રની જાણીતી કંપની સુઝલોન એનર્જીએ નાણાકીય વર્ષ 2027 ના પ્રથમ ક્વાર્ટરમાં 305 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે ગત વર્ષનાં સમાનગાળાના 324 કરોડ રૂપિયાની સરખામણીમાં લગભગ 6 ટકા ઓછો છે.
જો કે, ચોખ્ખો નફો ઘટવા છતાં કંપનીની કામગીરીમાંથી થતી આવક 22.5 ટકા વધીને 3,819 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે, જે અગાઉનાં વર્ષનાં સમાન સમયગાળામાં 3,117 કરોડ રૂપિયા હતી. આ દરમિયાન કંપનીની કુલ આવક પણ 22 ટકાથી વધુ વધીને 3,862.5 કરોડ રૂપિયા થઈ છે.
આ નાણાકીય પરિણામો જાહેર થતાં જ શેરબજારમાં કંપનીનાં શેર પર નેગેટિવ અસર જોવા મળી હતી અને બીએસઈ પર સુઝલોનનો શેર લગભગ 5 ટકા ઘટીને 50.75 રૂપિયા પર બંધ થયો હતો.
ક્વાર્ટર દરમિયાન કંપનીએ અત્યાર સુધીનું સૌથી વધુ 506 મેગાવોટનું ડિલિવરી રેકોર્ડ બનાવ્યું છે અને કમિશનિંગમાં પણ મોટો ઉછાળો નોંધાયો છે. તેનો કુલ ઓર્ડર બુક 6.1 ગીગાવોટ પર પહોંચ્યો છે, જેમાં 84 ટકા ઓર્ડર પીએસયુ અને કોર્પોરેટ ક્ષેત્રોમાંથી આવ્યા છે, જે કંપનીની મજબૂત બજાર પકડ સાબિત કરે છે.

