Surendranagar, તા.16
સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય જનતાને આવશ્યક ચીજવસ્તુઓ મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે અને પુરવઠાનું વિતરણ સાતત્યપૂર્ણ રીતે જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.
જિલ્લા કલેક્ટર શ્રીમતિ કે. એસ. યાજ્ઞિકની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ, જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા વિવિધ ગેસ એજન્સીઓ પર આકસ્મિક તપાસની એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ બજારમાં ગેસનો પૂરતો જથ્થો જળવાઈ રહે અને વિતરણ વ્યવસ્થામાં કોઈ ક્ષતિ ન રહી જાય તે સુનિશ્ચિત કરવાનો છે. જિલ્લા પુરવઠા અધિકારી એ. જી. ગજ્જરના સીધા સંકલન હેઠળ જિલ્લાના સાયલા અને પાટડી તાલુકાઓમાં આવેલી ગેસ એજન્સીઓ પર ઓચિંતી તપાસ કરવામાં આવી હતી.
આ તપાસણી દરમિયાન એજન્સીઓના ગોડાઉન અને વિતરણ કેન્દ્રો પર ઉપલબ્ધ ગેસ સિલિન્ડરના જથ્થાની ભૌતિક ચકાસણી કરવામાં આવી હતી. તપાસની આ ઝુંબેશ દરમિયાન માત્ર જથ્થાની ગણતરી જ નહીં, પરંતુ એજન્સીઓ દ્વારા રાખવામાં આવતા સ્ટોક રજિસ્ટરની પણ ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી.
સરકારના નિયમ મુજબ સ્ટોક રજિસ્ટરમાં નોંધાયેલ વિગતો અને પ્રત્યક્ષ જથ્થામાં કોઈ તફાવત છે કે કેમ, તે અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. આગામી સમયમાં પણ આવી તપાસ ચાલુ રાખવામાં આવશે તેવી ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી છે.

