Morbi,તા.14
ટંકારામાં રહેતા અને ડાક વગાડી ડાયરાના કાર્યક્રમો કરતા કલાકારને અન્ય કલાકારો દ્વારા ફોન પર બેફામ ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપવાની ઘટના સામે આવી છે. ડાયરાના વ્યવસાયમાં હરીફાઈને કારણે ઊભા થયેલા આ વિવાદમાં ટંકારા પોલીસે બોટાદના બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વિગતવાર માહિતી મુજબ, ટંકારાના ઘેટીયા વાસમાં રહેતા ડાક કલાકાર હરેશભાઈ ગુણવંતભાઈ પનારાને બોટાદ જિલ્લાના નીંગાળા ગામના શૈલેષ વિરમભાઈ રાવળ અને હરેશ કણબી નામના શખ્સોએ ફોન પર ધમકીઓ આપી હતી. ફરિયાદી હરેશભાઈ બોટાદ પંથકમાં ડાયરાના કાર્યક્રમો કરવા જતા હોય, જે આરોપીઓને પસંદ ન આવતા તેમણે ફોન પર ગાળો આપી હતી. આરોપીઓએ ફરિયાદીને પૂછ્યું હતું કે “તું નીંગાળા-બોટાદ ડાક વગાડવા ક્યારે આવવાનો છે?” તેમ કહી ભેગા થવાનું જણાવી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ટંકારા પોલીસમાં નોંધાવી છે

